ગોઢાણીયા મહિલા કોલેજની એન.સી.સી. કેડેટસનો શિબિરમાં શાનદાર દેખાવ

સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિરમાં પાંચ એવોર્ડ સાથે દોરડા ખેંચ સ્પર્ધામાં વિજય મેળવી કોલેજ અને પોરબંદરનું ગૌરવ વધાર્યું

પોરબંદરની ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજની 42 એન.સી.સી. કેડેટ્સે 4 નેવલ એન.સી.સી. યુનિટ દ્વારા આયોજિત 10 દિવસીય સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કેડેટ્સે કુલ પાંચ એવોર્ડ મેળવી તેમજ દોર ખેંચ સ્પર્ધામાં વિજય મેળવી કોલેજ તથા પોરબંદર શહેરનું ગૌરવ વધાર્યું હતું.
પોરબંદરની ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજની 42 એન.સી.સી. કેડેટ્સે 4 નેવલ એન.સી.સી. યુનિટ દ્વારા આયોજિત સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લઈ કોલેજ તથા પોરબંદર શહેરનું ગૌરવ વધાર્યું હતું.આ 10 દિવસીય તાલીમ શિબિર જવાહર નવોદય વિદ્યાલય ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. શિબિર દરમિયાન કેડેટ્સને શિસ્ત, નેતૃત્વ, દેશપ્રેમ, ટીમ વર્ક અને શારીરિક ક્ષમતાના વિકાસ માટે વિવિધ તાલીમ આપવામાં આવી હતી.જેમાં કવાયત, નિશાનબાજી, નકશો વાંચન, નેવલ તાલીમ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ, વ્યક્તિત્વ વિકાસ તથા વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શિબિર દરમિયાન ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજની કેડેટ્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ પાંચ એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા.તેમાં પી.ઓ. કેડેટ જલ્પા લાખાણાએ શિબિરની શ્રેષ્ઠ એસ.ડબલ્યુ. કેડેટ તથા ગ્રુપ કમાન્ડર પ્રશંસા એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે કેડેટ મોઢવાડિયા ભૂમિકાએ રમતગમતમાં શ્રેષ્ઠ એવોર્ડ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.કેડેટ ગોસાઈ શ્રદ્ધાએ નિબંધ લેખન સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.આ ઉપરાંત દોરડા ખેંચ સ્પર્ધામાં કોલેજની ટીમ વિજેતા બની હતી.વિજેતા ટીમમાં વધેર મીરા, સાલેટ ભક્તિ, જોષી ભૂમિકા, ગોસાઈ શ્રદ્ધા,ઓડેદરા ધારા, મોઢવાડિયા ભૂમિકા, હેમાલી ભૂતિયા, ઓડેદરા કોમલ, વાજા હિરલ તથા રાઠોડ રાધિકાનો સમાવેશ થતો હતો.આ સમગ્ર તાલીમ અને માર્ગદર્શન હેઠળ કોલેજના એ.એન.ઓ. અધિકારી શાંતિબેન ભૂતિયા દ્વારા કેડેટ્સને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમની મહેનત અને નેતૃત્વના પરિણામે કેડેટ્સે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કોલેજના પ્રિન્સિપાલ કેતનભાઈ શાહે તમામ કેડેટ્સને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે એન.સી.સી. વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને વિદ્યાર્થીઓએ મેળવેલી આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટીઓ, ડો. વિરમભાઈ ગોઢાણીયા તથા અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ કેડેટ્સને શુભેચ્છાઓ પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ