કાળઝાળ ગરમીમાં આઠ દિવસથી પાણી માટે વલખા મારતા લોકો
ભાજપ શાસીત નગરપાલિકાએ જવાબદારીથી હાથ ખંખેરી દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર નાખ્યો: ધારાસભ્યની કડક સુચના છતાં કામ ગોકળ ગાયની ગતિએ
ઉદ્યોગિક શહેર તરીકે ઝડપથી વિકસી રહેલું રાજુલા આજે પાણીના એક-એક ટીપા માટે વલખા મારી રહ્યું છે. અન્ય રાજ્યોમાંથી રોજીરોટી માટે આવેલા હજારો શ્રમિકો સહિત સમગ્ર શહેર છેલ્લા આઠ દિવસથી પાણી વિના ત્રાહિમામ પોકારી ગયું છે. ધાતરવડી ડેમથી રાજુલા સુધીની 8-10 કિ.મી.ની નવી પાઇપલાઇન માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મહા મહેનતે 25 કરોડની ગ્રાન્ટ લાવ્યા, પણ ૠઞઉઈ ના રાજકોટના કોન્ટ્રાક્ટરે 2 વર્ષથી કામ લટકાવી રાખ્યું છે.કામ ગોકળગાયની ગતિએ ચાલે છે, કોઈ પૂછનાર નથી, કોઈ અધિકારી નિરીક્ષણ કરવા આવતો નથી. માત્ર કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર અને નબળા કામથી લોકો તથા ખેડૂતો પરેશાન છે. પાઇપો તૂટશે તો પાણી ખેતરોમાં જશે તેવો ભય ખેડૂતોમાં વ્યાપ્યો છે.
ભાજપ શાસિત નગરપાલિકાએ જવાબદારી ખંખેરી
ભાજપની બોડી ધરાવતી નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું કે આ કામ ૠઞઉઈ હસ્તક છે અને તેમણે જ રાજકોટના કોન્ટ્રાક્ટરને પેટા કોન્ટ્રાક્ટ આપેલો છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને કામ આપ્યું નથી. ચૂંટાયેલા અનુભવી પ્રમુખના પ્રતિનિધિ મયુર દાદાએ જણાવ્યું, “અમે નોટિસો-ફોન કરીને થાકી ગયા. અધિકારીઓ નિરીક્ષણ કરવા પણ આવતા નથી.””કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરે છે, કામ ગોકળ ગાયની ગતિએ કરે છે” એવા આક્ષેપ સાથે નગરપાલિકાની બોડીએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સત્તાવાર ઠરાવ પસાર કર્યો.સદસ્ય વિજયભાઈ વાઘે કહ્યું હતું કે, કામ નહીં થાય તો અમારી નગરપાલિકા બદનામ થશે. લોકોને એમ છે કે નગરપાલિકા ધ્યાન આપતી નથી, પરંતુ અમારે થોડું ઘરે ઘરે જઈને કહેવા જવાય કે કોન્ટ્રાક્ટર કામ ઝડપથી કરતો નથી?”
ભાડુઆતોની હાલત કફોડી, ગરીબોના મકાન ખાલી
રાજુલા ઉદ્યોગિક વિસ્તાર થઈ જતા અન્ય રાજ્યના લોકો અહીં ભાડે રહે છે. પરંતુ હવે પાણીના ત્રાસથી ભાડુઆતો મકાન માલિકોને સ્પષ્ટ પૂછે છે કે, “તમારે ઘરે મોટર છે તો જ ભાડે રાખવું છે.” જેને કારણે જે મકાનમાં મોટર નથી તે ખાલી પડ્યા છે. ઉદ્યોગો આવ્યા છે પરંતુ ભાડે રાખનારા ભાડાના પૈસા પણ હારી-હારીને આપે છે. ગરીબ માણસોના મકાનો પણ પાણી વિના ખાલી રહે છે.નિવૃત્ત કર્મચારી અને હાલ ન્યુઝ પેપર તથા બીલીપત્રનો ધંધો કરતા બાલાભાઈ ભટ્ટ ઉર્ફે ’બીલીપત્ર વાળા બાલાભાઈ’ કહે છે, “હું રોજ ઘરે ઘરે ન્યુઝ પેપર અને બીલીપત્ર દેવા જાવ છું. હું પહોંચું એટલે તરત જ લોકો, ખાસ કરીને મહિલાઓ, મને પૂછે છે – ’બાલાભાઈ, પાણીના કાંઈ સમાચાર છે? અમારે પાણી આવતું નથી.’
ધારાસભ્યની લાલ આંખ છતાં કોન્ટ્રાક્ટર બેફિકર
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કોન્ટ્રાક્ટરને ચોમાસા પહેલા ગુણવત્તાસભર કામ પૂર્ણ કરવાની કડક સૂચના આપી હતી. અગાઉ ખેડૂતો અને કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદ હતો, જેનું સમાધાન કરી જીગ્નેશભાઈ પટેલ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી કામ શરૂ પણ કરાવ્યું હતું. છતાં હાલ કોન્ટ્રાક્ટરનું પેટનું પાણી પણ હલતું નથી. જો ચોમાસા પહેલા કામ પૂર્ણ નહીં થાય તો રાત્રી ડેમ નં.2 નો ઘાણો પુલ ભરાઈ જશે. ત્યારબાદ 6 મહિના સુધી કામગીરી થઈ શકશે નહીં અને લોકોને અઢી વર્ષે પણ પાણી નહીં મળે.
