બોલ લાગતા ઠપકો આપવા જતા બઘડાટી બોલી’તી; સામસામે ફરિયાદ
શહેરના સંત કબીર રોડ પર આવેલી સદગુરૂ સોસાયટીમાં શેરી વચ્ચે ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે પડોશીઓ સામસામે આવી જતા માથાકૂટ થઈ હતી. જેમા લાકડીઓ અને કાચની બોટલો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે થોરાળા પોલીસ મથકમાં સામસામે ગુનો નોંધાયો છે.આ અંગેની વિગતો મુજબ, સંત કબીર રોડ પર આવેલી સદગુરૂ સોસાયટી શેરી નં. 1 માં રહેતા અને મજૂરીકામ કરતા સંજય મોહનભાઈ સરવૈયા (ઉ.વ. 29) ગત તા. 17/05/2026 ના રોજ સાંજના સમયે પોતાના પરિવાર અને મિત્રો સાથે ઘરની બહાર બેઠા હતા. આ દરમિયાન તેમની શેરીની સામે દેવરાજ અને અન્ય છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ક્રિકેટનો દડો સંજયના ભત્રીજા પ્રીયજીતને વાગતા દેવરાજને ઠપકો આપીને થોડે દૂર જઈને રમવાનું કહ્યું હતું.
સામાન્ય ઠપકો આપ્યા બાદ દેવરાજના સબંધીઓ મેરૂ ધાંઘળ, અનીલ ધાંઘળ, વિજય રબારી અને ભારતીબેન ધાંઘળ એકસંપ થઈને ધસી આવ્યા હતા. “અમારા છોકરાઓ અહીં જ રમશે, તમારે જે કરવું હોય તે કરી લો” તેમ કહી ઝગડો શરૂ કર્યો હતો અને સંજય ઉપર લાકડી વડે હુમલો કરી ને ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. સંજયની પત્ની હીરલબેન, ભાભી પુજાબેન અને મોટા ભાઈ અજય વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ પકડીને ગાળો ભાંડી ધમકીઓ આપી હતી.
બીજી તરફ, ઝગડો ઉગ્ર બનતા સંજય અને તેના મિત્રો આદિ તથા અજય બાવળિયાએ સ્વબચાવમાં સામે પક્ષના મેરૂ અને ભારતીબેન પર કાચની બોટલોના છૂટા ઘા ફેંક્યા હતા. આ ધમાલને પગલે આજુબાજુના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.આ હુમલામાં સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા ભારતીબેન રબારી અને દેવરાજ રબારીને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પૂર્વે મેરૂભાઈની ફરિયાદના આધારે થોરાળા પોલીસે સંજય વગેરે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે કાર્યવાહી પૂર્ણ થતાં સંજય સરવૈયાની ફરિયાદ પરથી થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. ટી. જીંજાળાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
