કામીનીબા જાડેજા, દીપ્તીબેન પડાળીયા ધૂરા સંભાળશે
કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ઉત્સાહભેર માહોલમાં સંપન્ન થઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપ ખેમામાં અને સમગ્ર તાલુકામાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં અધ્યાસી અધિકારી તરીકે રાજકોટ ગ્રામ્યના નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) શ્રી હર્ષ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને તેમની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી યોજાઈ હતી. જેમાં: તાલુકા પંચાયત પ્રમુખ તરીકે: કામીનીબા રવિરાજસિંહ જાડેજા તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે: દીપ્તીબેન ભાવેશભાઈ પડાળીયા બંને હોદ્દેદારો સામે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન આવતા અધ્યાસી અધિકારી દ્વારા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉત્સાહભેર વિજયોત્સવ અને આતશબાજીબિનહરીફ વરણીની જાહેરાત થતાં જ કચેરી પરિસરમાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ ’ભારત માતા કી જય’ ના ગગનભેદી નારા લગાવી સમગ્ર વાતાવરણ ગુંજવી દીધું હતું. નવનિર્વાચિત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી, મોં મીઠા કરાવીને ભવ્ય શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ ઐતિહાસિક ક્ષણે કોટડાસાંગાણી તાલુકા ભાજપના પ્રમુખ જતીનભાઈ સીદપરા, તાલુકા ભાજપના મહામંત્રી કિશોરસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનભાઈ ખાટરીયા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ ટીલારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા, અગ્રણી આગેવાન ગોપાલસિંહ જાડેજા, ધીરૂભાઈ કોરાટ, અશ્વિનભાઈ ગઢીયા, ગોવિંદભાઈ રાઠોડ તેમજ અરવિંદભાઈ સિંધવ સહિત તાલુકાભરના વિવિધ ગામોના સરપંચઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહીને નવનિર્વાચિત નેતૃત્વને વધાવી લીધું હતું.આ તકે તાલુકા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નવનિર્વાચિત હોદ્દેદારોને આવકારી, પુષ્પગુચ્છ આપી સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
