આજે સૌરાષ્ટ્રમાં માંગરોળ, મેંદરડા, માળિયા હાટીના, ગીર સોમનાથ, ગડુ શેરબાગ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર સવારી આવી પહોંચી હતી. ધોધમાર વરસાદને પગલે નદી બે કાંઠે વહી હતી. માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જનજીવન વ્યાપક પણે પ્રભાવિત થયું હતું. નદી નાળા છલકાતા મનોહર દૃશ્યો સર્જાયા હતાં. અનેક વાહનો પાણીમાં ફસાયા હતાં. અનેક માર્ગો પર ગોઠણડુબ પાણી ભરાયા હતાં. (તસવીર : શૈલેષ વાળા-પ્રાંચી-સુત્રાપાડા, વિનુ મેસવાણીયા-માંગરોળ, વિપુલ હિરાણી-ભાવનગર, આશિષ પોપટ-માધવપુર ઘેડ, મહેશ કાનાબાર-માળિયા હાટીના, મિલાપ રૂપારેલ-અમરેલી, ગૌતમ શેઠ-મેંદરડા, મારૂત સોલંકી-ગડુ શેરબાગ, મિલન જોશી-જૂનાગઢ))
ધોરાજીમાં 5.94 ઈંચ સહિત રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘકૃપા વરસી રહી છે જેમાં ગુરૂવારે સવારથી સાંજ સુધીમાં ધોરાજીમાં 5.95 ઈંચ, જેતપુરમાં 2.8, ઉપલેટામાં 2.68, જામકંડોરણામાં 0.87 ઈંચ અને રાજકોટ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા લાંબો સમય રાહ જોવરાવ્યા બાદ અનેક સ્થળે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કાણે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે માંગરોળમાં સવારે 6 વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા દરમિયાન 14 કલાકમાં 20 ઈંચ ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. આજે મેંદરડા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા અને આખો દી વરસાદ ચાલુ રહેતા 13 ઈંચ વરસાદ પડ્યો હતો. માળિયા હાટીનામાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 12 કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે. ગડુ શેરબાગમાં 10 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું.
વેરાવળમાં 12 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના પ્રશ્ર્નાવડા અને લોઢવામાં બે દિવસમાં 15થી 17 ઈંચ વરસાદ પડ્યો હતો. દોરાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદને પગલે આજે સાંબેલાધાર 6 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ડોળાસા પંથક, ઉપલેટા, માણાવદર, ઉમરાળા, ભાવનગર જિલ્લો, દામનગર, કોડીનાર, માધવપુર વગેરે સ્થળે 5થી 10 ઈંચ વરસાદ પડ્યાના વાવડ છે. આ ધોધમાર મેઘાસવારીથી નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. માર્ગો પર નદીયુ વહેવા લાગી હતી. ખેતરમાં તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ડેમોમાં પાણી આવ્યા હતાં. ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
માંગરોળમાં અધધ 20 ઈંચ મેઘસવારી
જુનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકને મેઘો ભારે ઘમરોળી રહ્યો છે. આજે માંગરોળમાં 20 ઇંચ વરસાદ ખાબકી જતા માંગરોળ પંથક અને વેચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ ગંભીર થઈ જવા પામી છે. આ સાથે માળિયા હાટીનામાં 14 ઇંચ, કેશોદમાં અને મેંદરડામાં સાડા બાર ઇંચ જેટલો વરસાદ થઈ જતા નદી નાડાઓમાં નવા નીર શરૂ થઈ જવા પામ્યા છે. અને અનેક રાજમાર્ગો તથા ગ્રામ્ય રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ થતા જનજીવન ખોરવાયું છે. તો બીજી બાજુ તંત્ર સાબદું બન્યું છે. અને એનડીઆરએફની ટીમને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદ ઉપર અધિકારીઓને નજર રાખવા અને જરૂર પડે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ સહિતના બચાવ કામો કરવા આદેશ અપાયા છે. જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેમાંય ખાસ કરીને માંગરોળ, માળીયા, કેશોદ પંથકમાં ગઈકાલે ભારે વરસાદ નોંધાયા બાદ આજે માંગરોળમાં સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં 20 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકીયો હતો. બપોરના 12 વાગ્યાથી શરૂ થયેલ વરસાદે સાંજના 4 વાગ્યાથી રુદ્ર રુપ ધારણ કર્યું હતું અને 8 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 4 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.
મેંદરડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: માત્ર એક જ દિવસમાં 13 ઈંચ વરસાદ
મેંદરડા તાલુકામાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સવારથી જ સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવસભર ચાલુ રહેલા વરસાદને કારણે કુલ અંદાજે 13 ઈંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે મધુવંતી નદી બે કાંઠે વહેવા લાગી હતી અને નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણીની નવી આવક થતાં મધુવંતી ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ હતી, જેના કારણે ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. ડેમમાં પાણીની આવક વધવાથી આગામી દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વરસાદ ખેતી માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો હવે ખરીફ પાકની વાવણી માટે તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી હતી. બીજી તરફ ભારે વરસાદના કારણે મેંદરડા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો તેમજ સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અનેક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
માળીયાહાટીના માં ધોધમાર વરસાદ: 12 કલાકમાં 12 ઇંચ વરસાદ
માળીયાહાટીના માં આજે ત્રીજે દિવસે પણ સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ છે સવારના 6: વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 12 કલાકમાં 296. મી મી 12 ઇચ અનરાધાર. વરસાદ ખાબક્યો છે સવાર થી જ ધોધોમાર વરસાદ પડતા માળીયાહાટીના જળબંબાકાર બની ગયું છે રેલવે સ્ટેશન રોડ ઉપર ફલકુ ફાટતા. ફલકુના પાણી રેલવે સ્ટેશન વિસ્તાર માં અને પટેલ સમાજ શક્તિનગર રણછોડ નગર પટેલ સમાજના આસપાસના વિસ્તારો ચારેકોર ફરી વળ્યા છે. તેમજ માધવ નગર. તરફ. ના. કરીમા બાદ સોસાયટી મોમીન સમાજ ની સોસાયટી ની. આજુબાજુ ના વિસ્તારોમાં પણ ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા છે લોકો મુશ્કેલી માં મુકાયા મુકાયા હતા મામલતદાર શ્રી કે. કે વાળા સરપંચ સંજયભાઈ ભૂત સિરાજ ભાઈ સમનાણી અને મોમીન સમાજના આડોશ પાડોશના યુવાનોએ ટ્રેક્ટર અને જેસીબી થી સિરાજ ભાઈ સમનાણીની વાડીની દિવાલ તોડવાની ફરજ પડી હતી આમ માળીયાહાટીના પંથક જળબંબાકાર થઈ ગયો છે માળીયાહાટીના તાલુકાના વાંદરવડ પાસે એસ.ટી.ની એક બસ પુલમાં સલવાઈ જતા ગામ લોકોએ જીસીબી ની મદદથી. માંડ માંડ બસને નદીના પુલ ઉપર થી બહાર કાઢેલ છે મોસમ નો કુલ વરસાદ 710. મી મી. 28. ઇચ થયો છે.
ગડુમાં 10 કલાકમાં 10.5 ઈંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
માળિયા તાલુકાના ગડુ સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર 10 કલાકમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ગામડાઓને જોડતા અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને અનેક સ્થળોએ વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી આવેલા પાણીથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માળિયા હાટીના તાલુકાના વાંદરવડ ગામ પાસે પૂરના ધસમસતા પાણીમાં એક એસટી બસ ફસાઈ જતાં સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબીની મદદથી બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. ડુ ખાતે જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર નિર્માણાધીન ઓવરબ્રિજના કામને કારણે સર્વિસ રોડ પર આજે એક સિમેન્ટનું ટેન્કર ફસાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ટેન્કર ફસાવાના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને રાહદારીઓ તેમજ સ્થાનિક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદ છતાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ અને પૂરના પ્રવાહમાંથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે.
પ્રશ્ર્નાવડા અને લોઢવા ગામે
15 થી 17 ઇંચ વરસાદ
ખાબકતાં જળબંબાકાર,
મકાનની દીવાલ ધરાશાયી
ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા અને લોઢવા ગામમાં છેલ્લા બે દિવસ દરમિયાન અંદાજે 15 થી 17 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદની વચ્ચે પ્રશ્નાવડા ગામના વિક્રમભાઈ પરબતભાઈ પરમારના મકાનની દીવાલ અચાનક ધરાશાય થઈ હતી. દીવાલ તૂટી પડતાં ત્યાં ઉભી રાખેલી સાઇકલનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. ભારે વરસાદને કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
પ્રાચી તીર્થમાં મેઘરાજા મહેરબાન, વહેલી સવારથી ધીમી ધારે વરસાદ
પ્રાચી તીર્થ:ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પ્રાચી પંથકમાં પણ મેઘરાજાએ મહેરબાની કરી છે. વહેલી સવારથી જ પ્રાચી તીર્થ ખાતે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જે બાદ વરસાદે ગતિ પકડતા સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાચી ઉપરાંત ઘંટીયા, આલીદ્રા, વાસાવડ, કુંભારીયા, અમરાપુર, સરા, ગાગેથા, પીપળવા, રંગપુર, પિખોર, સેમળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. સતત વરસતા વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા હતા અને ખેતરો પણ તરબતર થઈ ગયા હતા. વરસાદી માહોલને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ આશાનું કિરણ જોવા મળ્યું છે. લાંબા સમય બાદ પડેલા આ વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીથી ધરતી ભીંજાઈ જતા પાકને લાભ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે જેસરના ઉગલવાણ
ગામે કોઝવે પાણીમાં ગરકાવ
ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદની અસર ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જોવા મળી હતી. જેસર તાલુકાના ઉગલવાણ ગામેથી પસાર થતી નદીમાં અચાનક પાણીની ભારે આવક થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદી પર આવેલો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં ગામને જોડતો મુખ્ય માર્ગ કલાકો સુધી વાહનવ્યવહાર માટે બંધ રહ્યો હતો. કોઝવે પર પાણી ફરી વળતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઉગલવાણ ગામના રહીશો, ખેડૂતો તેમજ રોજિંદા અવરજવર કરતા લોકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. કેટલાક વાહનચાલકોએ જોખમ ન ખેડતાં પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી. સ્થાનિકોએ પણ લોકોને કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરી હતી, જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં. કલાકો બાદ વરસાદનું જોર ઘટતાં અને ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતાં નદીનું જળસ્તર ધીમે ધીમે નીચે આવ્યું હતું. કોઝવે પરથી પાણી ઉતરી જતાં માર્ગ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. માર્ગ પૂર્વવત થતાં અટવાયેલા વાહનોને પસાર કરવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ધોરાજીમાં સાબલા ધારે
છ ઇંચ વરસાદ : નીચાણવાળા
વિસ્તારોમાં પાણી ભરાયા
ધોરાજીમાં સતત ત્રીજા દિવસે મેઘ સવારી ચાલુ રહેતા ધોરાજીમાં જાણે જળ બમ્બા કાર હોય એ પ્રકારે એક જ દિવસમાં છ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહેતા આજે સવારે વરસાદ ચાલુ થતા બપોર સુધીમાં બે ઇંચ જેઓ વરસાદ વરસી ગયો હતો બાદ બપોરે એક કલાકમાં ભારે વરસાદ આવતા ચાર ઇંચ જેવો વરસાદ સાંજના છ વાગ્યા સુધીમાં પડી ગયો છે એટલે સવારથી સાંજ સુધીમાં છ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ભારે વરસાદ ને કારણે ધોરાજીના સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસ ચોક ત્રણ દરવાજા જુનાગઢ રોડ પીરખાના કુવા ચોક હોકળા કાંઠા વસ્તાર નદી બજાર માધવ ગૌશાળા શાકમાર્કેટ ચોક વગેરે વિસ્તારોમાં પાણી ભરાણા હતા ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓને પણ સ્કૂલ છૂટી ત્યારે મુશ્કેલી ભોગવી પડી હતી લોકોના જણાવ્યા મુજબ નગરપાલિકાની પ્રી મોનસુન કામગીરી પણ નિષ્ફળ નેવડી હોય તેવું જોવા મળી રહ્યું હતું ઠેર ઠેર ખાડાઓ પ્રથમ વરસાદમાં જ પડી ગયા હતા હાલમાં સિઝનનો કુલ વરસાદ ત્રણ દિવસમાં 10 ઇંચ જેવો નોંધાઈ ગયો છે.
ડોળાસા પંથક મા પાચ ઇંચ વરસાદ થી ખેતરો મા પાણી ભરાયા
કોડીનાર તાલુકા ના ડોળાસા વિસ્તાર મા મેઘરાજા એ થોડી રાહ જોવરાવ્યા બાદ ગત રાત્રી થી આજે બપોર સુધી મન મુકી ને વરસતા ખુડુતો એ નિરાંત અનુભવી છે. આજે પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો. તા. 3 -7 ની મધ્ય રાત્રી ના એક વાગ્યાં થી ત્રણ વાગ્યાં સુધી ધોધમાર વરસાદ થયો હતો. બાદ ધીમી ધારે નો વરસાદ આજે બપોર ના ચાર વાગ્યાં સુધી ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન એકસો ત્રીસ મી.મી.( સવા પાંચ ઇંચ )નોંધાયો હતો. આ વરસાદ થી ખેતરો પાણી થી લબાલબ ભર્યા છે. વરાપ નીકળશે પછી નવી સીઝન ની વાવણી નો વિધિવત પ્રારંભ થશે. ડોળાસા થી લેરકા રોડ. ઉપર એક ફૂટ થી વધુ પાણી ભરતા વાહન વ્યવહાર બાધીત થયો છે. ડોળાસા વિસ્તાર મા મોસમ નો કુલ વરસાદ 169 મી. મી. (પોણા સાત ઇંચ ) થયો છે.
ઉપલેટામાં સતત બીજા દિવસે
પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો
ચોમાસુ સીઝન સક્રિય થતા ની સાથે જ ગઈકાલે બપોર દરમિયાન ત્રણ કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો બાદમાં ફરીથી આજે સવારથી 11:00 વાગ્યાથી વરસાદી વાતાવરણ વચ્ચે એક વાગ્યા સુધીમાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળેલ છે સતત બીજા દિવસે પણ સારો વરસાદ થતાં ખેડૂતોએ ખેતરોમાં વાવેલા પાકને ટાઈમે બે દિવસમાં નવ ઇંચ વરસાદથી રક્ષણ મળી રહેતા ખેડૂતોની અને ધોમધક્તિ જમીનને નવ ઇંચ જેટલા વરસાદથી તૃપ્ત કરી સમગ્ર પંથકમાં તેમજ ખેડૂતોમાં હળવાશ અને ઠંડું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે પાંચ ઇંચ વરસાદ પડતા શહેરના રાજમાર્ગો પર ફરી વળેલા પાણીની તસવીરો સામેલ છે.
ઉમરાળામાં આજે બીજા દિવસે
પણ ધીમી ધારે વરસાદ
જૂન કોરો ગયા પછી ઉમરાળામાં ગઈકાલે બીજી જુલાઈએ 30મી.મી. વરસાદ સાથે ચોમાસાનો પ્રારંભ થયો હતો.આજે શુક્રવારે પણ બપોર બાદ ચાર થી છ માં ધીમી ધારે 29 મી.મી. વરસાદ વરસ્યો હતો અને સાંજના છ પછી પણ ધીમી ધારે વરસી રહ્યો છે.આજે સાંજના છ સુધીમાં બે દિવસનો કુલ વરસાદ 59 મી.મી.નોંધાયો છે.વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ભાવનગર જિલ્લામાં અડધાથી
દોઢ ઇંચ વરસાદ
ગોહિલવાડ પંથકમાં અડધા થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વલભીપુર અને પાલીતાણામાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગર શહેર, ઉમરાળા અને શિહોરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજુ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હોય એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં આજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સમગ્ર જિલ્લામાં મેઘરાજાની મહેર થઈ છે. આજે બપોર બાદ વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદી માહોલ ઉભો થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે. આજે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 32, ઉમરાળામાં 29, ભાવનગર શહેરમાં 21, ઘોઘા માં 14, સિહોરમાં 21, ગારીયાધારમાં 9 ,પાલીતાણામાં31, તળાજામાં 11 મી.મી. વરસાદ નોંધાયો છે.હજુ પણ વરસાદ પડી રહ્યો છે.ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી હોય એન.ડી. આર. એફ.ની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.
દામનગર તથા છભાડિયા ગામમાં
એક કલાક સુધી ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને છભાડિયા ગામમાં માત્ર એક કલાકમાં અંદાજે 3 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સમગ્ર ગામ પાણીથી તરબોળ બની ગયું હતું. અચાનક વરસેલા ધોધમાર વરસાદના કારણે ગામની શેરીઓમાં નદીઓ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અને પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો. ભારે વરસાદના પગલે છભાડિયા ગામની નદી તેમજ આસપાસના નાળા છલકાઈ ઉઠ્યા હતા. લાંબા સમય બાદ નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. વરસાદી પાણીના પ્રવાહથી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જોકે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથીજયારે લાઠી તાલુકાના દામનગર ગામે પણ લગભગ બે ઇંચ જેટલું પાણી વરસી જતા દામનગરની મુખ્ય બજારો નદી બની જવા પામી હતી. વરસાદના કારણે ખેતરોમાં પણ પાણીની સારી આવક થઈ છે. કપાસ, મગફળી, તલ સહિતના ખરીફ પાક માટે આ વરસાદ આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ખેતરો પાણીથી લબાલબ બનતાં ધરતીપુત્રોના ચહેરા પર સંતોષ અને આશા બંને જોવા મળી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે ગામના રસ્તાઓ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. બીજી તરફ, બાળકો અને યુવાનો વરસાદનો આનંદ માણતા નજરે પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કોડીનારમાં વધુ 4 ઇંચ વરસાદ; મોસમનો કુલ વરસાદ 9 ઇંચે પહોંચ્યો
ગીર પંથકમાં મેઘરાજા સતત મહેરબાન બન્યા છે. સતત બીજા દિવસે પણ કોડીનાર શહેર અને તાલુકાભરમાં અવિરત વરસાદ વરસતા આજે વધુ 4 ઇંચ વરસાદ નોંધાતા ચાલુ ચોમાસાની સીઝનનો કુલ વરસાદ 9 ઇંચ પર પહોંચી ગયો છે. સતત વરસી રહેલા વરસાદથી સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. આજના વરસાદના કારણે કોડીનાર શહેરના પાણી દરવાજા વિસ્તાર, બસ સ્ટેન્ડ, સુગર ફેક્ટરી રોડ, હરિૐ ચોક સહિત અનેક નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને શેરીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક સ્થળોએ થોડા સમય માટે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જોકે જનજીવન ધીમે ધીમે પૂર્વવત બનતું રહ્યું હતું. બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણીથી લબાલબ થઈ ગયા છે. ખેડૂતોમાં સારા ચોમાસાની આશા વધુ મજબૂત બની છે. સતત વરસાદને પગલે શિંગોડા નદીમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. જેને ધ્યાનમાં રાખીને નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ, કોડીનાર દ્વારા મામલતદારને પત્ર પાઠવી શિંગોડા નદીના પટમાં કોઈપણ પ્રકારની અવરજવર ન કરવા તેમજ નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે રાખવા જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ તાલુકા પંચાયત અને પોલીસ તંત્રને પણ જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.
માધવપુર મા બીજા દિવસે
ધોધમાર પાંચ ઇંચ વરસાદ
આજે વહેલી સવારે વાતાવરણમાં પલટોજોવા મળી રહ્યો હતો અને વરસાદની શરૂઆત થઈ હતી ધીમી ધાર થી વરસાદ ની શરૂવાત જોવા મળી રહી હતી બાદ માં ભારે વરસાદ વરસતા ની સાથેજ 5 ઇચ જેટલો વરસાદ વર્ષ તા બે દિવસ માં 13 ઇચ જેટલો વરસાદ વરસી ચૂક્યો મોસમ નો પહેલો વરસાદ વરસી જતા ખેડુતો અને લોકો માં ખુશી નો માહોલ જોવા મળી રહીયો છે મેડા ગ્રાઉન્ડ પાણી માં તરબોળ જોવા મળી રહીયો છે ખેતરો પણ પાણી પાણી જોવા મળી રહ્યા છે બે દિવસ થી ભારે વરસાદ વરસતા ગરમી માં ભારે રાહત જોવા મળી રહયુ છે.
માણાવદર પંથકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર
માણાવદર પંથક માં બારેય મેઘ ખાંગા થતા ગઈકાલ સાંજ સુધીમાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકાર થયો તેના કારણે શહેરના રસાળા ડેમ ભરાયોને ઓવર ફલો થયો. ઓવર ફલો થતા પોરબંદર તરફ જવા આવવા રસ્તા બંધ કરવા પડ્યા એક બાજુ ાૂમ દ્વારા ચોમાસા ટાણે સિનેમા ચોક પાસે બને સાઈડ રોડ બનાવે તેથી રસ્તો બંધ કરવો પડે એને અધૂરા કામો પડતા મૂકી સીનેમાં ચોક પાસે બને સાઈડ ખુલી કરવી પડી ખાડા બુરવા પડિયા રોડ અધૂરો રહી ગયો તંત્રની પોલ ખુલી ગઈ પક્ષપલટુ નેતા ઓને ચોમાસામાં ડેમ રોડ પુલના કામોના વિરોધ કરવાને બદલે વખાણ કરી પોતાની માનસિકતા કોના તરફ છે તે છતી કરી દીધી.
સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે ધોધમાર મેઘસવારીના કારણે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. માંગરોળ, મેંદરડા, ગીર સોમનાથ, માળિયા હાટીના, ગડુ શેરબાગમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જળ બંબાકાર થઈ ગયો હતો. ખેતરોમાં, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. માર્ગો નદી બન્યા હતાં. (તસવીર: ગૌતમ શેઠ-મેંદરડા, મિલન જોશી-જૂનાગઢ, મહેશ કાનાબાર-માળિયા હાટીના, મિલન ઠકરાર-વેરાવળ)
