ઉના શહેરમાં હત્યાના પ્રયાસની ગંભીર ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. દારૂના કેસમાં પંચ તરીકે હાજર રહેવાની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક યુવક પર લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસે ફરિયાદના આધારે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની તાત્કાલિક અટકાયત કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, 5 ઓગસ્ટની સાંજે ઉનાના ખારા વિસ્તારમાં જેન્તીભાઈના ગોડાઉન પાસે બેઠેલા મુકેશભાઈ જીતુભાઈ વાઘેલા પર મનીષ પ્રદીપભાઈ રાવળ, પારસ પ્રદીપભાઈ રાવળ અને રોહિત ઉર્ફે બાડો રાજુભાઈ ગુજરીયાએ હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓએ લોખંડના પાઇપ તથા છરી વડે માથા, આંખ, પગ અને શરીરના અન્ય ભાગોમાં આડેધડ ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ ઇજાગ્રસ્તના પગ પર બુલેટ મોટર સાયકલ ચડાવી દેવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાંઆવ્યો હતો. ફરિયાદ અનુસાર મગજમાં ગંભીર ફેક્ચર થતાં સર્જરી કરવામાં આવી છે અને હાલ તેની સારવાર ચાલુ છે.
ફરિયાદી જમનાબેન જીતુભાઈ વાઘેલાએ નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું છે કે 3 ઓગસ્ટે નોંધાયેલા દારૂના ગુનામાં તેમનો પુત્ર મુકેશ પંચ તરીકે હાજર રહ્યો હતો. તે બાબતનો મનદુ:ખ રાખીને આરોપીઓએ પૂર્વ યોજિત રીતે જીવલેણ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઉના શહેર પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાના પ્રયાસસહિત નોગુનોનોંધી કાયદેસરની કાર્યવાહીહાથ ધરી છે.પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ઘટનાના તમામ પાસા ઓની સઘન તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ખારા વિસ્તારમાં બૂટલેગરોના દબાણ અંગે પણ ઉઠ્યા પ્રશ્ર્નો
આ ઘટનાના અનુસંધાને ઉનાના ખારા વિસ્તારમાં ફરી એકવાર ગેરકાયદે દારૂના ધંધા અંગે ચર્ચા તેજ બની છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો થતા રહ્યા છે અને કેટલાક બૂટલેગરો દ્વારા પેશકદમી કરીને મકાનો ઉભા કરવામાં આવ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.સ્થાનિકોએ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને સમગ્ર ખારા વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધા તેમજ કથિત પેશકદમીના મુદ્દે સઘન તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે
