1965માં પાકિસ્તાનના 156 બોમ્બમારા વચ્ચે દ્વારકાનો ચમત્કારિક બચાવ

રાત્રે 11:55 વાગ્યે સમુદ્ર માર્ગેથી હુમલો થયો હોવાનો ઉલ્લેખ: 20 મિનિટમાં બોમ્બમારો છતાં દ્વારકા નગરીમાં એક પણ બોમ્બ ન ફૂટ્યો

વર્ષ 1965 નું ભારત પાકિસ્તાન યુદ્ધ અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. આ દરમિયાન દ્વારકા નગરી પર પાકિસ્તાન નૌકાદળ દ્વારા કરવામાં આવેલા બોમ્બમારાની ઘટના આજે પણ અહીં શ્રદ્ધા અને ગૌરવ સાથે યાદ કરવામાં આવે છે. ભાદરવા સુદ બારસના દિવસે બનેલી આ ઘટનાને દ્વારકાવાસીઓ દ્વારા દર વર્ષે ‘વિરાટ વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
મળતી માહિતી મુજબ, સપ્ટેમ્બર 1965માં રાત્રિના સમયે પાકિસ્તાન નૌકાદળે સમુદ્ર સીમા તરફથી દ્વારકા તરફ હુમલો કર્યો હતો. રાત્રે આશરે 11:55 વાગ્યે શરૂ થયેલા આ હુમલામાં લગભગ 20 મિનિટના સમયગાળામાં 156 જેટલા બોમ્બ છોડવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ મળે છે. પાકિસ્તાનના યુદ્ધ જહાજો દ્વારા કરવામાં આવેલા આ હુમલાનો હેતુ દ્વારકાના મહત્વના સ્થળોને નિશાન બનાવવાનો હતો.
પરંતુ બોમ્બમારો થયા બાદની ઘટના દ્વારકાવાસીઓ માટે આસ્થાનું પ્રતીક બની ગઈ. સ્થાનિક માન્યતા મુજબ, ભગવાન દ્વારકાધીશની કૃપાથી નગરીનો ચમત્કારિક બચાવ થયો હતો. હુમલા દરમિયાન દ્વારકા શહેરમાં એક પણ બોમ્બ ફૂટ્યો નહીં. મોટાભાગના બોમ્બ શહેરથી દૂરના વિસ્તારમાં જઈ પડ્યા હોવાનું જણાવાય છે. આ ઘટના વામન જયંતિના દિવસે બની હોવાથી દ્વારકામાં તેને ધાર્મિક આસ્થા સાથે પણ જોડવામાં આવે છે.
લોકમાન્યતા મુજબ, હુમલા સમયે દરિયામાં ભરતીનો સમય હતો અને ઊંચી ભરતીના કારણે પાકિસ્તાન નૌકાદળના નિશાનમાં પણ અસર પડી હતી. પરિણામે દ્વારકા નગરીને મોટું નુકસાન થયું નહીં. આ સમગ્ર ઘટનાને દ્વારકાધીશની રક્ષા સાથે જોડીને આજે પણ શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે.
1965 ના આ હુમલાની યાદ સાથે જોડાયેલા બોમ્બના અવશેષો આજે પણ દ્વારકાની કોલેજ રોડ પર આવેલી સંસ્કૃત એકેડેમીના મ્યુઝિયમમાં સચવાયેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ અવશેષો 1965 ના યુદ્ધ અને દ્વારકા પર થયેલા બોમ્બમારાની ઘટનાની સાક્ષી તરીકે મુલાકાતીઓનું ધ્યાન ખેંચે છે.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલા છતાં દ્વારકાધીશ મંદિર સહિત સમગ્ર નગરી સલામત રહી હતી. આ ઘટનાની સ્મૃતિને જીવંત રાખવા માટે છેલ્લા કેટલાક દાયકાથી ભાદરવા સુદ બારસના દિવસે દ્વારકામાં વિરાટ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન દ્વારકાધીશનો આભાર વ્યક્ત કરી 1965 ની ઘટનાને શ્રદ્ધા અને રાષ્ટ્રભાવના સાથે યાદ કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ