ઉનાના ગુંદાળામાં રસ્તાના દબાણનો વિવાદ: ન્યાય નહીં મળે તો 25 સપ્ટેમ્બરથી ઉપવાસની ચીમકી

પોલીસ બંદોબસ્ત માટે રૂ. 19,944 ચૂકવ્યા છતાં રસ્તો ખુલ્લો ન થતાં ખેડૂતની કલેક્ટરને રજૂઆત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગુંદાળા ગામે બાપદાદાના સમયથી ચાલતા કાયદેસરના રસ્તા પર દબાણ થયાનો આક્ષેપ કરી રસ્તો ખુલ્લો કરાવવા માટે એક ખેડૂતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. અગાઉ અનેક વખત અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ સાથે અરજદારે હવે ન્યાયની માંગણી કરી છે. જો રસ્તો ખુલ્લો નહીં કરાવવામાં આવે તો આગામી તા. 25 સપ્ટેમ્બરથી ઉનાના ડેપ્યુટી કલેક્ટરની કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ગુંદાળા ગામના રહેવાસી જુસબભાઈ ઓસ્માણભાઈ ઉન્નડ દ્વારા તા. 12 સપ્ટેમ્બર,ના રોજ જિલ્લા કલેક્ટર, ગીર સોમનાથને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, અરજદારે અગાઉ તા. 24 ઓગસ્ટના ઉના મામલતદારને તા. 2 જુલાઈના જિલ્લા પોલીસ અધિક્ષકને પોલીસ પ્રોટેક્શન અને સ્વખર્ચે બંદોબસ્ત આપવા અરજી કરી હતી. આ માટે તેમણે રૂ. 19,944 પણ ભર્યા હોવા છતાં રસ્તો ખુલ્લો થયો નથી અને સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
અરજદારના જણાવ્યા અનુસાર, તેમના બાપદાદાના સમયથી કાયદેસરનો રસ્તો આવેલો છે, પરંતુ ગામ ના એક વ્યક્તિ દ્વારા આ રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. જેના કારણે તેમની જમીનમાં જેસીબી, ટ્રેક્ટર સહિતનાં વાહનોની અવર જવર બંધ થઈ જતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં અરજદારની જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને પાક કાઢવાનો સમય આવી ગયો છે. પરંતુ રસ્તો બંધ હોવાના કારણે જેસીબી અને ટ્રેક્ટર જેવા વાહનો ખેતરમાં જઈ શકતાં ન હોવાથી ખેતીકામમાં મુશ્કેલી ઊભી થઈ છે.આ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તો ખુલ્લો કરાવવા કે દબાણ દૂર કરવા કોઈ કાર્યવાહી થઈ ન હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. જેથી જિલ્લા કલેક્ટરને તાત્કાલિક દરમિયાનગીરી કરી રસ્તા પરથી દબાણ દૂર કરાવી કાયદેસરનો રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી છે.
તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા. 25 સપ્ટેમ્બરથી ઉનાના ડેપ્યુટી કલેક્ટરની કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપવા માં આવી છે.

રિલેટેડ ન્યૂઝ