અમુક અધિકારીઓએ ફોટો સેશન પૂર્ણ કરી ચાલતી પકડી હોવાના આક્ષેપો ઉઠયા
ભેંસાણમાં સેવા સેતુ કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે. અમુક અધિકારીઓએ ફોટો સેશન પૂર્ણ કરી ચાલતી પકડી હોવાના આક્ષેપો ઉઠયા છે તે સાથે અધિકારીઓની ગેરહાજરીથી લોકોમાં રોષ પ્રગટ્યો છે. જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના મેંદપરા ગામની પ્રાથમિક શાળા ખાતે 12 ગામોના લોકો માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં માત્ર 6 તલાટીઓ જ હાજર રહ્યા હતા. તથા મામલતદાર, આરોગ્ય અને પીજીવીસીએલ. જેવા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ હાજર રહી કામગીરી કરી હતી, પરંતુ લોકો માટે અનેક મહત્વની સેવાઓ કર્મચારીઓની ગેરહાજરીને કારણે કાગળ પર જ રહી ગઈ હતી. તો વન વિભાગના અધિકારીઓ તો માત્ર ફોટો સેશન કરાવીને જતા રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ અંગે ભેસાણ તાલુકાના અગ્રણી મનસુખ વાઘેલા અને ઉપસરપંચ અશોક ભાષાએ આ સરકારી કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મીઓની ગેરહાજરીની ગંભીરતા સામે સવાલો ઉઠાવ્યા હતા.
શાળાના 150 બાળકોને રજા આપી દેવાઈ
આ ઉપરાંત, આ સરકારી કાર્યક્રમ માટે શાળાના આશરે 150 બાળકોને રજા આપી દેવાતા તેમના અભ્યાસ પર વિપરીત અસર પડી હતી. સરકારી સેવાઓ ઘરઆંગણે આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં જવાબદાર અધિકારીઓની બિનજવાબદાર નીતિ સામે આવતા, હવે તંત્ર દ્વારા શું કડક કાર્યવાહી કરવામાં આવશે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.
