વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં મોટો પલટો ; પહાડી વિસ્તારોમાં બરફવર્ષા તો દક્ષિણનાં રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
ઉત્તર ભારતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી હોવા છતાં હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હિમાલયનાં વિસ્તારોમાં સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી અને મેદાની વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત દેશનાં 18 રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ રહેશે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને મુઝફ્ફરાબાદના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે અને રામબન, બારામુલા તથા શોપિયાં જેવા જિલ્લાઓમાં 9 ઓક્ટોબર સુધી ભારે વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ 11 ઓક્ટોબર સુધી વરસાદ પડશે. ઉત્તરાખંડના પિથોરાગઢ, રુદ્રપ્રયાગ અને ચમોલી સહિતનાં વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતાને
પગલે ચારધામ યાત્રા (કેદારનાથ-બદ્રીનાથ) પર નીકળેલાં યાત્રાળુઓને ખાસ સાવચેત રહેવા જણાવાયું છે.
દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં 11 ઓક્ટોબર સુધી વરસાદી ઝાપટાં ચાલું રહેશે. ઉત્તર પ્રદેશમાં પણ હવામાન વિભાગે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા દર્શાવી છે. પૂર્વ અને પશ્ચિમ યુપીનાં અલીગઢ, કાનપુર, લખનૌ, નોઈડા, ગાઝિયાબાદ અને ગોરખપુર જેવા વિસ્તારોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. 11 ઓક્ટોબરે પશ્ચિમ રાજસ્થાનનાં કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદનાં એંધાણ છે.
મધ્ય ભારત અને પૂર્વ ભારતનાં રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 10 અને 11 ઓક્ટોબર દરમિયાન વરસાદની શક્યતા છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં આગામી 9 થી 11 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ અને વીજળીનાં ચમકારા સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય મહારાષ્ટ્રનાં વિદર્ભ, ગોવા અને કોંકણ ક્ષેત્રમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં પણ પરત ફરી રહેલું ચોમાસું ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે. કર્ણાટકમાં આજે ઘણાં વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
