ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે મળશે બજાર
ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા અને સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને વેચાણ માટે યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) યોજના અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ, રાજ્ય સરકાર તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના સહયોગથી ગ્રામહાટની સુવિધા ઊભી કરવામાં આવી છે.
સાવરકુંડલા બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયતનાં પ્રમુખ દક્ષાબેન ચોડવડિયાના હસ્તે ગ્રામહાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જયારે ધારી બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય જે.વી. કાકડિયાના અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગતના હસ્તે હસ્તે ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લાઠી બસ સ્ટેશન ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા લાઇવલીહૂડ હબ મેનેજર તથા તાલુકા પંચાયતના સ્ટાફ અને સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. બગસરા બસ સ્ટેશન ખાતે એન.આર.એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ હસ્તકલા તથા અન્ય ચીજ વસ્તુના વેચાણ અર્થે બનાવવામાં આવેલ ગ્રામહાટનું લોકાર્પણ તાલુકા પંચાયતના સભ્યોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણીઓ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કક્ષાએથી ડી.એલ.એમ. છાયાબેન ટાંક, એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક, ડેપો મેનેજર, તાલુકા પંચાયતનો સ્ટાફ તથા સખી મંડળોની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. બાબરા બસ સ્ટેશન ખાતે એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ હસ્તકલા તથા અન્ય ચીજવસ્તુઓના વેચાણ અર્થે બનાવવામાં આવેલ ગ્રામહાટનું લોકાર્પણ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્થાનિક અગ્રણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
