ચીખલકુબા કેમ્પ સાઇટ પાસે કોઝવેના ભુંગળામાં ફસાયેલા દીપડાનું રેસ્કયુ

વનકર્મીઓએ જીવના જોખમે ઘાયલ દીપડાને બેભાન કર્યા બાદ પાંજરામાં પુરી બચાવ્યો

અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ખાંભા તાલુકાના ચીખલકુબા ગામે આવેલ કેમ્પ સાઇટ નજીક કોઝવેના ભૂંગળામાં ગંભીર રીતે ઘાયલ હાલતમાં ફસાયેલા એક દીપડાને બચાવવા વનવિભાગે રાત્રિના સમયે અંધારામાં જીવના જોખમે સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. અને દીપડો કોઝવેના બ્લોકમાં ફસાયેલો હોવાથી તેને સીધો પાંજરામાં પૂરવો શક્ય ન બનતાં વનકર્મીઓએ નવતર પદ્ધતિ અપનાવી હતી. લોખંડનો પલંગ કોઝવેના ભૂંગળા આડો રાખીને દીપડાને નિયંત્રિત કર્યા બાદ ટ્રાન્ક્યુલાઇઝ કરવામાં આવ્યો હતો અને સફળતાપૂર્વક પાંજરે પૂરી વધુ સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ખાંભા તાલુકાના ચીખલકુબા ગામે આવેલ કેમ્પ સાઇટના વડલીવાળા રોડ પર આવેલા એક કોઝવેના બ્લોકમાં ગંભીર રીતે ઘાયલ એક દીપડો ફસાયેલો હોવાની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડના વનવિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. રાત્રિના સમયે દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવો વનકર્મીઓ માટે પડકારજનક બન્યો હતો.
દીપડો કોઝવેના ભૂંગળામાં વિકટ સ્થિતિમાં ફસાયેલો હતો કે, તેને સીધો પાંજરામાં પૂરવાની શક્યતા ન હતી. આવી પરિસ્થિતિમાં વનવિભાગના કર્મચારીઓએ સૂઝબૂઝ વાપરી લોખંડનો પલંગ ભૂંગળાની આડો રાખીને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી હતી. દીપડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ તેને ટ્રાન્ક્યુલાઇઝ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરી રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ગંભીર રીતે ઘાયલ દીપડાને વધુ સારવાર અને દેખરેખ માટે નજીકના જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. દીપડાને બચાવવા માટે વનવિભાગના કર્મચારીઓએ રાત્રિના અંધકારમાં જોખમ વચ્ચે ભારે જહેમત
ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ