પોરબંદરના શિક્ષિકાનું અંબાજી ખાતે થયું સન્માન

શ્રેષ્ઠ શિક્ષણ વિદ્યાનિધિ પારિતોષિકથી અભિવાદન કરવામાં આવ્યું: પોતાને મળેલ એવોર્ડ વિદ્યાર્થીઓ સહિત શાળાને કર્યો અર્પણ

પોરબંદરના શિક્ષિકા નું અંબાજી ખાતે અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ફેડરેશન દ્વારા અંબાજી ખાતે યોજાયેલા અધિવેશનમાં પોરબંદરની શ્રી રૂપાળીબા ક્ધયા શાળાના શિક્ષક ડો. પ્રીતિબેન ત્રિભોવનદાસ કોટેચાનું તેમની પીએચ.ડી.ની નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ બદલ ‘શ્રેષ્ઠ શિક્ષક વિદ્યાનિધિ પારિતોષિક’થી ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.
ડો. પ્રીતિબેન કોટેચાએ ધ્યાન દ્વારા બાળકોની સેલ્ફ-ઇમેજમાં બદલાવ વિષય પર સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમના સંશોધનમાં ધ્યાનની પ્રક્રિયા દ્વારા બાળકોની સેલ્ફ-ઇમેજ, આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ વિકાસ તથા પોતાના પ્રત્યેના સકારાત્મક અભિગમમાં થતા પરિવર્તનોનો અભ્યાસ કરવામાં આવ્યો છે.શિક્ષણ અને માનસશાસ્ત્રના સમન્વય પર આધારિત આ સંશોધનને તેમણે પોતાના શૈક્ષણિક કાર્ય સાથે પણ સાંકળ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ધ્યાન અને સકારાત્મક માનસિક અભિગમને ઉપયોગી સાધન તરીકે અપનાવી તેમણે શિક્ષણ ક્ષેત્રે સંશોધન અને પ્રયોગશીલતાનો સુંદર સમન્વય કર્યો છે.
આ ગૌરવપૂર્ણ સન્માન પૂર્વ નિયામક ડો. એમ. આઈ. જોશી, શ્રીરામ વિદ્યાલય ફાઉન્ડેશન ટ્રસ્ટ, પાલનપુરના ઓનર તથા રામચંદ્રભાઈ પટેલ, ડી.પી.ઓ. દ્વારકા મધુબેન ભટ્ટ તથા મહેસાણા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનુભાઈ ચોક્સી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ફેડરેશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા મહામંત્રી સંજયભાઈ પટેલ સહિત ફેડરેશનના હોદ્દેદારો અને રાજ્યભરના એવોર્ડી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ડો. પ્રીતિબેન કોટેચાની શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રની સિદ્ધિને બિરદાવી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણ ક્ષેત્રે પોતાની લાંબી સેવાયાત્રા દરમિયાન ડો. પ્રીતિબેન કોટેચાએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને અનેક નવીન શૈક્ષણિક પ્રયોગો હાથ ધર્યા છે. શિક્ષણ સાથે સંશોધન, બાળસાહિત્ય તથા ટેક્નોલોજીના સકારાત્મક અને સર્જનાત્મક ઉપયોગને તેમણે પોતાના કાર્યનો અભિન્ન હિસ્સો બનાવ્યો છે.
ડો. પ્રીતિબેન કોટેચા એક પ્રતિષ્ઠિત બાળસાહિત્યકાર તરીકે પણ જાણીતા છે. બાળવાર્તા અને બાળગીતોના પુસ્તકોના સર્જન ઉપરાંત દૃષ્ટિબાધિત બાળકો પણ સાહિત્યનો આનંદ માણી શકે તેવા ઉમદા હેતુથી બ્રેઈલ લિપિમાં બાળસાહિત્યનું પુસ્તક પ્રકાશિત કરીને તેમણે સમાવેશી શિક્ષણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અંબાજીની પવિત્ર ભૂમિ પર પીએચ.ડી.ની આ સિદ્ધિ બદલ મળેલું ‘શ્રેષ્ઠ શિક્ષક વિદ્યાનિધિ પારિતોષિક’ ડો. પ્રીતિબેન કોટેચા માટે ગૌરવ અને આનંદની વિશેષ ક્ષણ બની હતી. તેમણે આ સન્માન પોતાના વિદ્યાર્થીઓ, શાળાપરિવાર, સહકર્મી શિક્ષકો તથા શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ શુભેચ્છકોને અર્પણ કરી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ સિદ્ધિથી પોરબંદર જિલ્લાના શિક્ષણ જગત તેમજ શ્રી રૂપાળીબા ક્ધયા શાળાનું નામ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે વધુ એક વખત ગૌરવપૂર્વક ઉજળું બન્યું છે.

રિલેટેડ ન્યૂઝ