બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર માત્ર ફિલ્મી પડદે જ નહીં, પણ રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ પાકા વેપારી સાબિત થયા છે. હાલમાં જ તેમની કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ત્યારે અક્ષયે મુંબઈમાં એક મોટો આર્થિક દાવ ખેલ્યો છે. તેમણે માત્ર એક મહિનાની અંદર મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા પોતાના 4 વૈભવી ફ્લેટ વેચી દીધા છે, જેમાં તેમને કરોડો રૂપિયાનો બમ્પર પ્રોફિટ થયો છે.
વર્ષ 2017નું રોકાણ આજે ફળ્યું
મુંબઈમાં જમીન અને ફ્લેટના ભાવ અત્યારે આસમાને છે, ત્યારે અક્ષય કુમારે વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર, અક્ષય કુમારે વર્ષ 2017માં ઓબેરોય કન્સ્ટ્રક્શન પાસેથી આશરે ₹9 કરોડમાં કેટલીક મિલકતો ખરીદી હતી. વર્ષો સુધી તેને સાચવી રાખ્યા બાદ, હવે યોગ્ય સમય જોઈને તેમણે આ પ્રોપર્ટીઝ વેચી દીધી છે.
કયા ફ્લેટ કેટલામાં વેચાયા? જાણો વિગત:
- મુલુંડની લક્ઝુરિયસ ડીલ: અક્ષય કુમારે મુલુંડના LBS રોડ પર આવેલા પ્રીમિયમ પ્રોજેક્ટ ‘ઓબેરોય એનિગ્મા’ના 18મા માળે આવેલા પોતાના ફ્લેટ વેચ્યા છે. અંદાજે 1,886 ચોરસ ફૂટના આ ફ્લેટ સાથે 3 કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે. તેમાંથી એક ફ્લેટ ₹6.09 કરોડમાં અને અન્ય બે ફ્લેટ ₹12.38 કરોડમાં વેચાયા છે. આ ડીલ માટે ખરીદનારે ₹74.28 લાખની તોતિંગ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે, જેનું રજિસ્ટ્રેશન 30 જૂન, 2026ના રોજ થયું હતું.
- બોરીવલીના ફ્લેટ પણ વેચ્યા: મુલુંડની ડીલ પહેલાં જૂન મહિનાની શરૂઆતમાં અક્ષયે બોરીવલી ઈસ્ટમાં આવેલા ‘ઓબેરોય સ્કાય’ પ્રોજેક્ટના બે આલીશાન એપાર્ટમેન્ટ પણ વેચી દીધા હતા. જેમાં મોટો ફ્લેટ આશરે ₹5.75 કરોડમાં અને નાનો ફ્લેટ ₹1.35 કરોડમાં વેચાયો હોવાનું સામે આવ્યું છે.
કુલ ₹7 કરોડથી વધુનો ચોખ્ખો નફો
અક્ષય કુમારે આ ચારેય ફ્લેટ કુલ ₹20 કરોડની આસપાસની કિંમતમાં વેચ્યા છે. 2017ની ખરીદ કિંમત સામે જોતાં અક્ષય કુમારને આ આખી ડીલમાંથી ₹7 કરોડથી વધુનો જંગી નફો મળ્યો છે.
બીજી તરફ, તેમની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ પણ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે દુનિયાભરમાં ₹137.07 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જેમાંથી ઘરેલું બોક્સ ઓફિસ પર જ નિર્માતાઓને ₹92 કરોડની શાનદાર કમાણી થઈ છે. આમ, અક્કી ભાઈ માટે અત્યારે ફિલ્મી પડદો અને બિઝનેસ બંને જગ્યાએ સોનાનો સૂરજ ઊગ્યો છે!
