ગુજરાતના સી ફુડ નિકાસ ઉદ્યોગ પર ગંભીર અસર વર્તાઇ: કોલ્ડ સ્ટોરેજ ભરાઇ જવાની ભીતી
ખાડી દેશોમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની ગુજરાતના સી ફૂડ નિકાસ ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં નિકાસ માટેના શિપિંગ ક્ધટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે વિદેશથી આવતા ક્ધટેનરની સંખ્યામાં ઘટાડો થયો છે. આના કારણે સી ફૂડ ની નિકાસ પર અનિશ્ચિતતા ઊભી થઈ છે. આગામી દસેક દિવસ સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે, સી ફૂડ કંપનીના કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવાની શક્યતા હોવાનું સી ફૂડ એક્સપોર્ટ એસો. ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગકાર વેરાવળના જગદીશભાઇ ફોફંડી એ જણાવેલ છે.
ગુજરાતમાંથી દર વર્ષે આશરે સાત હજાર થી વધુ ક્ધટેનર દ્વારા લગભગ દોઢ લાખ ટન સી ફૂડ ખાડી દેશો સહિત આંતરરાષ્ટ્રીય બજાર માં મોકલવામાં આવે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે શિપિંગ અને લોજિસ્ટિક્સ વ્યવસ્થામાં અવરોધો સર્જાયા છે, જે સી ફૂડ ઉદ્યોગ પર સીધું દબાણ વધારી રહ્યા છે.
આ અંગે સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગકાર જગદીશભાઇ ફોફંડી એ જણાવેલ કે, જો આગામી દસેક દિવસ સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે, તો સી ફૂડ કંપનીના કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવાની શક્યતા છે. આનાથી તૈયાર માલની નિકાસ અટકી જશે અને ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થશે. તેમણે વધુમાં જણાવેલ કે, હાલમાં નિકાસ યુનિટો માં ક્ધટેનર ભાડા અને લોજિસ્ટિક્સ ખર્ચમાં અંદાજે 15 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આગામી સમયમાં આ વધારો 30 થી 60 ટકા સુધી પહોંચી શકે છે. તેમના મતે ગુજરાતના સી ફૂડ નિકાસ યુનિટો અન્ય રાજ્યોની સરખામણીમાં નાના છે અને તેમની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા પણ મર્યાદિત છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ઉદ્યોગોને અન્ય રાજ્યો કરતાં વધુ અસર થવાની સંભાવના છે. ફિશ એક્સપોર્ટ ઉદ્યોગ મૂળભૂત રીતે ઓછા મૂલ્ય અને ઓછા માર્જિન વાળો હોવાથી વધતા ખર્ચનો સીધો બોજ ઉદ્યોગકારો પર પડશે.
સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માછલી નું ઉત્પાદન મર્યાદિત હોય છે, પરંતુ માર્ચ મહિનાથી દરિયામાં માછલીની આવક વધે છે. જો આગામી દસેક દિવસમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સુધરશે નહીં, તો કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવાની અને નવી આવતી માછલીની નિકાસ અટકી જવાની સંભાવના છે. આ પરિસ્થિતિ ની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં કામ કરતા માછીમારો તેમજ સી ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિકો અને વ્યવસાયકારો પર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
