ઉદ્યોગ અગ્રણી રવજીભાઈ ધામેલીયાના લસકાણા ખાતેના ફાર્મ હાઉસમાં મોડીરાત સુધી ચાલેલી બેઠક
ગુજરાત ભાજપમાં આગામી યોજાનાર મહાપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી પૂર્વે ભાજપના આંતરિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ત્યારે પટેલ સમાજમાં મોભાનું સ્થાન ધરાવતાં ભાજપના સિનિયર નેતા અને સહકાર શિરોમણી ‘ઈફકો’ના ચેરમેન દિલીપ સંઘાણી અચાનક સુરતની મુલાકાતે આવી પહોંચ્યાં હતાં. ભાજપ અગ્રણી અને રાજ્યનાં પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી બુધવારે અચાનક જ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વરાછા, કતારગામ, કામરેજ અને સામે પારના મોટા વરાછા વિસ્તારો કે, જ્યાં સૌથી વધુ સૌરાષ્ટ્ર વાસીઓ વસે છે. તે વિસ્તારની મુલાકાત લીધી હતી. મોડીરાત સુધી ચાલેલી બેઠક ચાલી હતી.
સહકારી સંસ્થામાં અતિ વ્યસ્ત રહેતાં દિલીપ સંઘાણી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ તથા દેશનાં વડાપ્રધાન મોદીની નજીક ગણાતાં દિલીપ સંઘાણી દ્વારા યોજવામાં આવેલ બેઠકો પણ વડાપ્રધાન મોદીના ઈશારે પણ કરવામાં આવી હોઈ શકે તેવી અટકળો વચ્ચે અનેક રાજકીય વમળો પણ સર્જાયા છે.
દિલીપ સંઘાણીની સતત બે દિવસ સુધી સુરતની મુલાકાત દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં પણ હાજરી આપવા ઉપરાંત મોડી સાંજે યોજાયેલ એક પાટીદાર સમાજના કાર્યક્રમમાં પણ હાજરી આપેલ હતી. આ દરેક કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ ઉપરાંત કેટલાક લોકો સાથે વ્યક્તિગત મુલાકાત પણ થઇ હોવાનુ જાણવા મળે છે.
બે દિવસની સુરતની મુલાકાત બાદ દિલીપ સંઘાણી કાર્યક્રમ પૂર્ણ કરી મોડી રાત્રે સુરતથી સીધા જ દિલ્હી જવા રવાના થયા હતાં. દિલીપ સંઘાણીની સુરતની મુલાકાતથી ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી પ્રભાવિત વિસ્તારોમાં ચર્ચાનો દોર ચાલ્યો હતો. તથા રાજકીય ઉત્કંઠાઓના વમળો સર્જાયા હતા.
