આજે સોમનાથ મંદિર પર શૌર્યાભિષેક, હેલિકોપ્ટરમાંથી થઈ પુષ્પ વર્ષા

સુર્યકિરણની ટીમના દિલધડક કરતબોથી પ્રવાસીઓ આશ્ર્ચર્યચકિત થયા : હર્ષનાદ સાથે નગરજનોએ એરફોર્સના પાયલોટોને વધાવી લીધા

સોમનાથ મંદિરના પુન: નિર્માણના 75 વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-2026″ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા 11 મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા.
સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જનમીત શર્મા તરફથી મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે ઓળખાતી સૂર્યકિરણ ટીમ લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-132 (ઇંફૂસ ખસ-132) જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ સિંક્રનાઈઝ્ડ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરશે. આ એરોબેટિક શો અંદાજે 15 મિનિટ સુધી ચાલશે, જેમાં પાઈલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાડવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર 18 મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચશે. જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે 182 કિમી જેટલું છે.
ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં 13 કુશળ પાઈલટોની ટીમ આ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના 25થી 30 એર વોરિયર્સની ટીમ મેદાનમાં તૈનાત રહેશે. આ ટીમ દ્વારા ફ્લાયપાસ્ટ કંટ્રોલ, એવિએશન સેફ્ટી, બર્ડ હેઝાર્ડ કંટ્રોલ, હવામાન વિભાગ અને સિગ્નલ કમ્યુનિકેશનની જવાબદારી સંભાળવામાં આવશે. રવિવારે જ્યારે સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા સોમનાથ મંદિર પર હવાઈ કરતબોનું રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ સાથે સૈન્ય શક્તિનો સંગમ સર્જાયો હતો. સોમનાથ અમૃતપર્વ-2026″ અવસરે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર એરફોર્સના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હેલિકોપ્ટર આકાશમાંથી મંદિર પરિસરમાં પુષ્પોની વર્ષા કરીને આસ્થા અને શૌર્યનો સંગમ રચશે. આ પુષ્પવર્ષા મિશન માટે ચેતક હેલિકોપ્ટર જામનગરના એરફોર્સ સ્ટેશન પરથી ઉડાન ભરશે અને સોમનાથ મંદિર પહોંચીને પુષ્પવર્ષા કરશે. આ હેલિકોપ્ટર યુનિટ માત્ર આવા ઔપચારિક કાર્યક્રમો પૂરતું મર્યાદિત નથી, પરંતુ નાગરિકો માટે સર્ચ એન્ડ રેસ્ક્યુ, તબીબી સ્થળાંતર અને આપત્તિ રાહત કામગીરીમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ હેલિકોપ્ટર દ્વારા ગઈકાલે તથા આજે સોમનાથ મંદિર પર પુષ્પવર્ષાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

‘એર શો’ને અનુલક્ષી પક્ષીઓને ખાદ્યપદાર્થ ન આપવા અપીલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રભાસ ક્ષેત્રની ભૂમિ પર ’સોમનાથ અમૃત પર્વ’ની ઉજવણી થશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તા.11મી મેના રોજ ભારતીય વાયુસેના દ્વારા ભવ્ય ’સૂર્યકિરણ એર શો’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના શૂરવીર વાયુસૈનિકો, ફાઈટર જેટ્સ દ્વારા આકાશમાં અદભુત અને સાહસિક કરતબો રજૂ કરવામાં આવશે. એર શો દરમિયાન ફાઈટર પ્લેન ખૂબ જ તેજ ગતિમાં અને ઘણી વખત ઓછી ઊંચાઈ પરથી ઉડાન ભરતા હોય છે. આવા સમયે આકાશમાં ઉડતા પક્ષીઓ વિમાન સામે અડચણરૂપ બનવાની કે અથડાવાની શક્યતા હોય છે. આ શક્યતાને અનુલક્ષી સુરક્ષા અને જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખીને સોમનાથ ત્રિવેણી સંગમ પાસે રહેતા તથા દર્શને આવતા તમામ નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે, તા.11મે, 2026 ના રોજ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાના ઘરની અગાસી, ખુલ્લા મેદાનો, ચબુતરા કે રસ્તા પર પક્ષીઓને ચણ નાખવાનું સંપૂર્ણપણે ટાળવું તથા ખુલ્લામાં એઠવાડ કે ખાદ્યપદાર્થો ફેંકવા નહીં જેથી પક્ષીઓ ત્યાં એકઠા ન થાય. નાગરિકોને સુરક્ષાને અનુલક્ષી અને દેશના ગૌરવ સમાન આ ’એર શો’ ને ભવ્ય રીતે સફળ બનાવવા માટે વહીવટીતંત્ર અને ભારતીય વાયુસેનાને સંપૂર્ણ સહકાર આપવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વેરાવળ (નોર્મલ) વતી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ