રાજ્યમાં 7395 કર્મચારીઓને જવાબદારી સોંપાઈ
રાજકોટ મનપાના તમામ 18 વોર્ડની વસ્તી ગણતરી માટે 4200 કર્મચારીઓને ઓર્ડર : પ્રથમ તબક્કા માટેની તાલીમનોે આરંભ
મળતી માહિતી મુજબ આ કામગીરીના પ્રથમ તબક્કામાં ઘર ગણતરી કરવામાં આવશે જે માટેની તાલીમ હાલ શરૂૂ કરી દેવામાં આવી છે. અત્યંત મહત્વની કામગીરી હોવાના કારણે અહીં જે પણ કર્મચારી બેદરકારી અથવા તો ગેરહાજર રહેશે તો તેઓને ત્રણ વર્ષની સજા સાથે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. સામે જે લોકો ખોટી માહિતી આપશે તેમના ઉપર પણ કાયદાકીય પગલા લેવાશે. હાલ પ્રથમ ચરણની કામગીરી માટે તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકા હેઠળ આવતા 18 વોર્ડમાં આ કામગીરી માટે કુલ 4200 કર્મચારીઓના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. પેલી જૂનથી પ્રથમ તબક્કાનું કામ શરૂૂ થશે જેમાં 18 વોર્ડમાં 18 ચાર્જ અધિકારીઓ નીમવામાં આવશે જેમની જવાબદારી જે તે વોર્ડ પૂરતી સીમિત રહેશે. પેલી જૂનથી દરેક વોર્ડમાં એક સાથે કામગીરી શરૂૂ કરવામાં આવશે. તે માટેની ટ્રેનિંગ 15 મેથી શરૂૂ થશે. મહાનગરપાલિકાના ચૂંટણી વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મહાનગરપાલિકાની વસ્તી ગણતરીની કામગીરી માટે 4,200 કર્મચારીઓનું ઓર્ડર કરવામાં આવ્યો છે. જે માટે સુપરવાઇઝર અને ફિલ્ડ ટ્રેનરો માટેની ટ્રેનિંગ આજથી જ શરૂૂ થઈ ચૂકી છે. હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ રાજકોટ જિલ્લામાં તાલુકા તથા જિલ્લા પંચાયતન નગરપાલિકામાં 2711 ગણતરીદારો છે જ્યારે 446 સુપરવાઇઝરો સહિત કુલ 3157 કર્મચારીઓ તાલુકા – જિલ્લા કક્ષાએ ફરજ બજાવશે. આ કામગીરીમાં મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર ચાર્જ અધિકારી તરીકે હાજર રહેશે અને દરેક કામગીરી ઉપર બાજ નજર રાખશે. 17 મેથી સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં લોકો ઘરે બેઠા વસ્તી ગણતરીમાં પોતાનું નામ નોંધાવી શકશે. વસ્તી ગણતરી-2027ની કામગીરી અંતર્ગત રાજ્કોટ મહાનગર પાલિકા દ્વારા રાજકોટની સરકારી ઇજનેરી કોલેજોના તમામ ક્લાસ-1 અને 2ના પ્રોફેસર અને રીસર્ચર કક્ષાના તમામ અધ્યાપકોને સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવતા ટેકનિકલ શિક્ષણના નિયમિત શૈક્ષણિક કાર્ય પર પ્રતિકૂળ અસર થવાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. શિક્ષકોને પણ વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે જેને લઈને શિક્ષણ કાર્ય પર તેની માઠી અસર પડે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. એન્જિનિયરિંગ ક્ષેત્રના પ્રધ્યાપકોને પણ આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણકર્ય બગડે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
