સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલટો પવન ફુંકાતા પારો ત્રણ ડિગ્રી સુધી ગગડ્યો


રાજકોટ-અમદાવાદ 41.7, સુરેન્દ્રનગર 41.5, કંડલામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું : 18મીથી રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટિવીટીનો પ્રારંભ : તા. 8 જૂનથી વરસાદની શક્યતા

રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે શુક્રવારે કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આગામી બે દિવસ સુધી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. તેમજ આગામી સપ્તાહમાં રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે હીટવેવનું યેલો એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. જેના પગલે પ્રજાને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. જો કે, પાંચ દિવસ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ રહેશે.
આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના ભાગો, અંદમાન સમુદ્ર અને અંદમાન અને નિકોબાર ટાપુઓ પર દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસુ આગળ વધવા માટે સાનુકુળ પરિસ્થિતિઓ સર્જાઈ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યના વાતાવરણમાં આજથી મોટો ફેરફાર થશે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે લોકોને અસહ્ય ગરમી અને લૂંમાંથી આંશિક રાહત મળશે. ચોમાસા પહેલાના વરસાદ એટલે કે, પ્રી-મોન્સુન એક્ટિવીટીનો પ્રારંભ થશે.
તા. 18થી 23 મે દરમિયાન, રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટિવીટી સક્રિય થશે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાંપટા પડી શકે છે. ત્યાર બાદ તા. 8 થી 15 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જે વરસાદને ખેંચી લાવશે. અંતે 23થી 28 જૂન સુધીમાં રાજ્યમાં વાવણીલાયક અને સાર્વત્રિક સારો વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન ફુંકાતા ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું સૌરાષ્ટ્ર-કચ્છના તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડ્યલું હતું. આજે રાજ્યમાં 42.3 ડિગ્રી સાથે વલ્લભીવિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર જોવા મળ્યું હતું. જ્યારે રાજકોટ અને અમદાવાદમાં તાપમાનનો પારો 41.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 41.5 અને કંડલામાં પારો 40 ડિગ્રીએ નોંધાયો હતો. પવનની દિશા બદલાતા લોકોએ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી.

રિલેટેડ ન્યૂઝ