આજે સૌરાષ્ટ્ર-કચ્છની જિલ્લા પંચાયતોને મળશે સુકાનીઓ

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સંજયભાઈ પીપળિયા, ઉપપ્રમુખ પદે સામત બાંભવાને મેન્ડેટ અપાયા

ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દ્વારકાદાસ દોમડિયા, ઉપપ્રમુખ પદે શારદાબેન બામણીયાને મેન્ડેટ અપાયા

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રંજનબેન જીવાણી, ઉપપ્રમુખ પદે પરેશ હીરપરાને મેન્ડેટ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 24
રાજકોટ સહિત રાજ્યમાં આવેલી જિલ્લા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારો માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપી દેવામાં આવ્યા છે. રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છની તમામ જિલ્લા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખના દાવેદારોએ ફોર્મ ભર્યુ હતું. સોમવારે મોટાભાગની જિલ્લા પંચાયતના ભાજપ-કોંગ્રેસના હોદેદારોની બિનહરીફ વરણી થશે. જ્યારે પોરબંદર અને રાણાવાવ તાલુકા પંચાયતમાં ડખ્ખા યથાવત રહ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સોમવારે નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હોદેદારોને મેન્ડેટ આપી દેવાયા છે. આ મેન્ડેટના આધારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ તરીકે સામત બાંભવાની નામની જાહેરાત કરાઈ છે.
જ્યારે ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે દ્વારકાદાસ દોમડિયા તથા ઉપપ્રમુખ પદ માટે શારદાબેન બાંભણીયાને મેન્ડેટ અપાયા છે. આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ધ્રોલની ખારવા બેઠકના રંજનબેન જીવાણી તથા ઉપપ્રમુખ તરીકે પરેશ હીરપરાને મેન્ડેટ આપી દેવાયા છે. સોમવારે તમામ જિલ્લા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસકપક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવશે. સાથે જ જિલ્લા પંચાયતને નવુ સુકાન મળશે.
જામનગર જિલ્લા પંચાયત ગત માસે યોજાયેલ સામાન્ય ચૂંટણી માં ભાજપ ને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો. જ્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન ના નામો ની જાહેરાત કરવામાં આવી છે.
જામનગર જિલ્લા પંચાયત ની 26 બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો.જેમાં ભાજપ ને 19 બેઠક ,કોંગ્રેસ ને બે અને આમ આદમી પાર્ટી ને 3 બેઠક મળી હતી.એટલે કે ભાજપ ને લોકો એ સત્તા નો સુકાન સોંપ્યું હતું..
આખરે લાંબા સમય ગાળા પછી આજે ભાજપ દ્વારા હોદેદારો ના નામ ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં પ્રમુખ તરીકે ખારવા બેઠક ના રંજનબેન દયાળજીભાઈ જીવાણી , ઉપપ્રમુખ તરીકે શેઠવડાળા બેઠક ના પરેશભાઈ ઘેલાભાઈ હિરપરા , કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઈ હીરજીભાઈ રાઠોડ , પક્ષના નેતા તરીકે સિંગચ બેઠક ના પ્રદ્યુમનસિંહ ગુમાંસિંહ ઝાલા અને દંડક તરીકે લતીપુર કલ્પેશભાઇ બાબુભાઈ માલાણી ની પસંદગી કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં સોમવારે યોજાનારી પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર મેન્ડેટ જાહેર કર્યું છે. આ જાહેરાત સાથે જિલ્લા પંચાયતની સત્તા ની ગાદી પર કોણ બિરાજમાન થશે તે અંગેની અટકળોનો અંત આવ્યો છે. આ જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ, જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે દ્વારકાદાસ કનુભાઈ દોમડિયા ના નામ પર અંતિમ મહોર મારવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે શારદાબેન મહેશભાઈ બાંભણિયા ની પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્ર રામશીભાઈ પીઠીયા ને જવાબદારી સોંપવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે મોહનભાઈ અરજણભાઈ સોલંકી ની પસંદગી કરવામાં આવી છે, જે અનુભવી નેતૃત્વને પ્રાધાન્ય આપવા નો સંકેત આપે છે. દંડક તરીકે દર્પિત દેવીસિંહ ડોડીયા ની પસંદગી કરીને ભાજપ યુવા નેતૃત્વને પણ સ્થાન આપ્યું છે. ગીર જિલ્લા પંચાયતના હોદ્દેદારોની પસંદગી માટે ભાજપના આંતરિક વર્તુળોના છેલ્લા કેટલાક દિવસોથી બેઠકો અને મંત્રણાઓ ચાલી રહી હતી. સોમવારે યોજાનાર ચૂંટણીમાં ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ હોવાથી જાહેર કરેલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી પ્રબળ શક્યતા છે. આ પસંદગી દ્વારા ભાજપે સંગઠનાત્મક શિસ્ત અને રાજકીય એકતા નું પ્રદર્શન કરીને વિરોધ પક્ષો ને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ મેન્ડેટ જાહેર થતાં જ ગીર સોમનાથ ના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. હવે સૌની નજર સોમવારે યોજાનારી ચૂંટણી પ્રક્રિયા અને નવા હોદ્દેદારોના સત્તારૂઢ થવા પર કેન્દ્રિત થઈ છે.

રિલેટેડ ન્યૂઝ