પગાર વધારા સહિતના અણઉકેલ પ્રશ્ર્ને અમદાવાદમાં 16 જિલ્લાના આશા વર્કરોનું આંદોલન આજથી વધુ ઉગ્ર બનશે

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકાર, તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને વિપક્ષનું ધ્યાન ખેંચવા માટે સી.આઈ.ટી.યુ. (ઈઈંઝઞ), ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા બે દિવસીય ઉપવાસ તથા ધરણાના વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મોંઘવારી અને રાક્ષસી ભાવવધારાને ધ્યાનમાં રાખીને પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓને લઈને હાથ ધરાયેલા આ આંદોલનના પ્રથમ દિવસે જ જંગી વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. અમદાવાદ શહેર તેમજ સાબરકાંઠા, અરવલ્લી અને અમદાવાદ ગ્રામ્ય સહિતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આંગણવાડી વર્કરો અમદાવાદના સરદાર ગાર્ડન ખાતે એકઠા થયા હતા અને ઉપવાસ-ધરણાનો પ્રારંભ કર્યો હતો. અને આવતીકાલ તા. 10મીથી આંદોલન વધુ ઉગ્ર બનશે તેમ જણવા મળેલ છે.
શોષણ સામે અવાજ ઉઠાવવાના આ કાર્યક્રમમાં રાજ્યના 16 જિલ્લાની આંગણવાડી વર્કર આગેવાનોમાંથી 51 બહેનો પ્રથમ દિવસે બે દિવસના ઉપવાસ પર બેઠા હતાં. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આંગણવાડી બહેનોએ “પગાર વધારો સરકાર ક્યારે આપશે તે જણાવો” જેવા સવાલો લખેલા રંગબેરંગી પોસ્ટરો અને આકર્ષક બેનરો પ્રદર્શિત કર્યા હતા. ઉપવાસી છાવણીમાં આંગણવાડી વર્કરોએ પોતાની માંગણીઓને સાંકળતા ગીતો, સૂત્રોચ્ચાર અને ગરબાની રમઝટ બોલાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
આંદોલનની વિગતો આપતા સી.આઈ.ટી.યુ.ના મહામંત્રી અરુણ મહેતા, પ્રમુખ સતિષભાઈ પરમાર તેમજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત અને સંગીતાબેન રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા 2022 પછી અને કેન્દ્ર સરકાર દ્વારા છેક 2018 પછી કામનો બોજ સતત વધારવામાં આવ્યો છે. આમ છતાં, કર્મચારીઓના પગારમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. આથી સરકારે તાત્કાલિક બેઠક યોજીને પગાર વધારાની જાહેરાત કરવી જોઈએ. જો આ પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.
આ વિરોધ પ્રદર્શનને વિવિધ ક્ષેત્રોમાંથી વ્યાપક સમર્થન સાંપડ્યું છે. આજના કાર્યક્રમમાં ગુજરાત કિસાન સભાના આગેવાન દિનેશભાઈ પરમાર, શ્રમજીવી આગેવાન ડાહ્યાભાઈ યાદવ તેમજ જન ઝી યુવા સંગઠનોના આગેવાનો ચંદ્રપાલભાઈ ખાટ અને સિદ્દીકીભાઈએ શ્રમજીવીઓ, ખેડૂતો અને યુવાનો તરફથી આંગણવાડી બહેનોની માંગણીઓને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું.
આગામી તારીખ 10મીના રોજ આ આંદોલન વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ દિવસે આંગણવાડી બહેનો ઉપરાંત વિશાળ સંખ્યામાં આશા વર્કરો, ફેસિલીટેટરો તથા અન્ય કામદાર-કર્મચારી સંગઠનોના આગેવાનો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે અને આંદોલનને વેગ આપશે.

રિલેટેડ ન્યૂઝ