તાલાલા (ગીર) પંથકમાં વરસાદ ખેંચાતા 20 લાખ આંબા, નાળીયેરીના અસ્તિત્વ સામે જોખમ

16 હજાર હેકટર બાગાયત વાવેતર ઉપર ગંભીર ખતરો : લાખો વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીનું સંકટ ઉભુ થવાની ભીતિ

તાલાલા પંથકમાં ઘણા વર્ષો પછી વરસાદ ખેંચાતા આ વર્ષનું ચોમાસું નબળું પડતું જતું હોય વરસાદના અભાવે મગફળી,સોયાબીન વિગેરે ખરીફ પાક અને પીવાના પાણીની અછત ઊભી થઈ રહી હોય પ્રજા અને ખેડૂતો ચિંતામય બની ગયા છે…તાલાલા પંથકની કુલ 29 હજાર હેક્ટર ખેડવાણલાયક ખેતીની જમીન પૈકી 16 હજાર હેક્ટરમાં બાગાયત વાવેતર ઉપર ગંભીર ખતરો ઊભો થવાની ભીતી વ્યક્ત થઇ રહી છે.
તાલાલાનાં બાગાયત અને ખેતીવાડી વિભાગમાં થયેલ નોંધ પ્રમાણે તાલાલા પંથકમાં 20 લાખ આંબા તથા નાળિયેરીના વૃક્ષો આવેલ છે.તાલાલા પંથકમાં વરસાદના અભાવે આવનારા દિવસોમાં આંબા અને નાળિયેરીના વૃક્ષોનું જતન કરવું કઠિન બનશે પરિણામે બાગાયતી વાવેતર ઉપર જબરું સંકટ ઉભું થશે…પ્રજા અને સિંહો સહિત વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે ગંભીર સમસ્યા ઊભી થઈ રહી હોય તાલાલા વિસ્તારને પર્યાવરણ પૂરું પાડતા આંબા,નાળિયેરીના વૃક્ષો, પ્રજા તથા વન્ય પ્રાણીઓની પીવાના પાણીની સમસ્યા નું કાયમી સુખરૂપ નિવારણ લાવવા તાલાલા પંથકની પ્રજા તથા ગીરના જંગલના વન્ય પ્રાણીઓની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે…સતાધાર નજીક આવેલ આંબાજળ ડેમ સુધી પહોંચી ગયેલ સૌની યોજનાથી કમલેશ્વર થી માત્ર છ કિ.મી દૂર હોય કમલેશ્વર ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરવો ખૂબ જ સરળ છે…કમલેશ્વર ડેમમાં સૌની યોજના ના નીર પહોંચશે એટલે ગીરના જંગલમાં વસવાટ કરતા લાખો વન્ય પ્રાણીઓ ઉપરાંત સાસણગીર થી તાલાલા સુધી 25 જેટલા ગામોની પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.આ ઉપરાંત હિરણ નદીના કાંઠાની આસપાસ આવેલ અનેક ગામોના પાણીના તળ જીવંત રહેશે પરિણામે તાલાલા વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થાય તો પીવાના પાણી અને પશુપાલકોને ઘાસચારાની ગંભીર સમસ્યા ઉભી થશે નહીં…ખેડૂતોએ પોતાના બાળકોની જેમ ઉછેર કરેલ કેસર કેરીના વૃક્ષો,નાળિયેરી વિગેરે ફળાઉ 20 લાખ વૃક્ષોને જીવતદાન મળશે માટે તાલાલા વિસ્તારના ખેડૂતો,ગ્રામીણ પ્રજા અને વન્ય પ્રાણીઓ માટે જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ ને સૌની યોજના ના નીરથી છલકાવવા પ્રજામાંથી બુલંદ માંગણી ઉઠી છે.
કમલેશ્ર્વર ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરવો જરૂરી
તાલાલા પંથકને દુષ્કાળના કપરાં સમયમાં બચાવવા કમલેશ્વર ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરવા પ્રજાનાં પોકાર ના સમર્થનમાં તાલાલા વિસ્તારના પ્રજાના પ્રતિનિધિઓએ પણ પોતાનો સુર પુરાવ્યો છે…સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,નગરપાલિકાના પ્રમુખ ભુપતભાઈ હિરપરા,તાલુકા પંચાયત પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા,જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય ભરતભાઈ વાળા,માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન સંજયભાઈ શિંગાળા,વાડલા ગીરના યુવા સરપંચ ધવલભાઈ કોટડીયા વિગેરે પદાધિકારીઓએ સરકારમાં અલગ અલગ આવેદનપત્રો આપી કમલેશ્વર ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરવા ધારદાર રજૂઆત કરી છે.
આંબાજળ ડેમથી કમલેશ્વર ડેમ માત્ર છ કિમી દૂર હોય સામાન્ય બજેટમાં કમલેશ્વર ડેમમાં સૌની યોજના ના નીર પહોંચી શકે તેમ છે…જો કમલેશ્વર ડેમ સૌની નાં નીર થી ભરાઈ જાય તો તાલાલા વિસ્તારની પ્રજા,ખેડૂતો તથા ગીરના જંગલમાં અંતરિયાળ વસવાટ કરતા સિંહો સહિત વન્યપ્રાણીઓની પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે તેમજ અછતના વર્ષમાં પાણી અને ઘાસચારા માટે સરકારને થનાર ખર્ચ બચી જશે માટે કમલેશ્વર ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરી તાલાલા પંથકની પ્રજા,ખેડૂતો ઉપરાંત ગીરના ખુલ્લા જંગલમાં વિહરતા સિંહો તથા વન્ય પ્રાણીઓને યોગ્ય રાહત મળે માટે તાલાલા પંથકને ઉપયોગી થવા તમામ પદાધિકારીઓએ આવેદનપત્રમાં સરકારને અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ