શ્રી પોરબંદર જિલ્લા નોટરી એશો દ્વારા પાઠવાયું આવેદન: કાનૂની વ્યવસાય કરતાં વકીલો પર વધતા જતા હુમલામાં કડક કાર્યવાહી કરવી જરૂરી બની
વકીલો પર થતા હુમલાઓમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તથા એડવોકેટ પ્રોટેક્શન બીલ લાવવા બાબત પોરબંદર જિલ્લા નોટરી એસોસિએશનની માંગ કરવામાં આવી હતી અને આ અંગે કલેક્ટરને આવેદન પાઠવાયું હતું
શ્રી પોરબંદર ડિસ્ટ્રિક્ટ નોટરી એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ વી. શીગરખીયા અને ઉપ-પ્રમુખ જગદિશ માધવ મોતીવરસ હાજર રહેલા મુખ્ય આગેવાનો એડવોકેટ / નોટરી ચેતનાબેન મોઢવાડિયા,ડી. કે. રાઠોડ પરબતભાઈ સાદિયા,ભનુભાઈ ઓડેદરા વિગેરે વકીલ દ્વારા પોરબંદરના વકીલો વતી રાજ્યપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ તથા કાયદા મંત્રી હર્ષભાઈ સંઘવી, કાયદા મંત્રી અને જિલ્લા કલેક્ટર ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વકીલો અને એડવોકેટો પર ધાક-ધમકી, હુમલા અને હત્યાના બનાવો સામાન્ય બની ગયા છે. માથાભારે અને ગુનેગાર શખ્સોમાં કાયદાનો કોઈ ડર કે ભય રહ્યો નથી તેવું વાતાવરણ ઉભું થયું છે.
વકીલોને અસીલોના હિત માટે પોલીસ સ્ટેશને જવાનું થતું હોય છે અને પોલીસ પણ વકીલોને વ્યવસાયને કારણે ઓળખતી હોવા છતાં સત્તાના જોરે વકીલો સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવે છે. ગત તા. 25/09/2020 ના રોજ કચ્છના રાપરમાં વકીલ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા, તા. 13/04/2021 ના રોજ વરાછા પોલીસ મથકમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એડવોકેટ રજનીકાંતને માર મારવાનો કિસ્સો, જામનગરના વકીલની હત્યા, રાજકોટમાં આજી ડેમ પોલીસ દ્વારા ભૂમિકાબેન એડવોકેટ ઉપર ખોટી ફરિયાદ, તેમજ હાલમાં જ અમદાવાદના રોશનીબેન યાદવ અને સુરતના કૈલાશ મિશ્રા એડવોકેટ ઉપર જાન લેવા હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.આવા બનાવો રોજિંદા બની ગયા છે. કાયદાના સ્નાતકો અને રક્ષક એવા એડવોકેટો જ જો સુરક્ષિત ન હોય તો તેઓ સરકાર પાસે રક્ષણની આશા ન રાખે તો કોની પાસે રાખે?
એસોસિએશનની મુખ્ય માંગણીઓ
વકીલો ઉપર હુમલો કરનાર શખ્સો સામે તાત્કાલિક અને કડક હાથે કાર્યવાહી કરી, તેમનામાં ભય બેસે તેવી કાર્યવાહી કરવી.કોઈપણ વકીલ સામે ખોટી ફરિયાદ દાખલ કરતા પહેલા જે તે સંબંધિત વકીલ મંડળ (બાર એસોસિએશન) પાસેથી પરવાનગી લઈ, જે તે વકીલને બચાવ અને રજૂઆતની તક આપ્યા બાદ જ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા કરવી, જેથી વકીલને થોડું પ્રોટેક્શન મળી રહે. આ અંગેનો આદેશ તમામ પોલીસ સ્ટેશનોને આપવો.વારંવાર વકીલો પર થતા હુમલાઓને કાબૂમાં લેવા માટે એડવોકેટ પ્રોટેક્શન બીલ ની દરખાસ્ત કરી, તે સંબંધે કાયદો લાવવાનો સમય પાકી ગયો હોઈ, તાત્કાલિક બીલ લાવી યોગ્ય કાર્યવાહી કરવી.સમગ્ર પોરબંદર જિલ્લાના વકીલો વતી આ રજૂઆત કરવામાં આવી છે.
