પંકજ જૈન સંઘ ખાતે જૈન શ્રાવક નિપેક્ષ શેઠના 180 ઉપવાસના પારણાં 20 સપ્ટેમ્બરે થશે
જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરાને ઉજાગર કરતી એક વિરલ અને પ્રેરણાદાયી તપસ્યા તરીકે નિપેક્ષ શેઠ દ્વારા કરવામાં આવેલા 180 દિવસના ઉપવાસની પૂર્ણાહૂતિ (પારણાં) ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજાની પાવન ઉપસ્થિતિમાં શહેરના ભઠ્ઠા, પાલડી સ્થિત પંકજ જૈન સંઘ ખાતે ભાવવિભોર અને આધ્યાત્મિક વાતાવરણમાં 20 સપ્ટેમ્બર 2026ને રવિવારેના રોજ યોજાશે. આ પ્રસંગે જૈન સમાજના સાધુ-સાધ્વી ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓ, પરિવારજનો, સગાં-સંબંધીઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી તપસ્વી નિપેક્ષ શેઠને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જૈન શ્રાવક નિપેક્ષ શેઠે 24 માર્ચ, 2026 ના રોજથી આ કઠોર તપસ્યાનો પ્રારંભ કર્યો હતો.
જૈન શ્રાવક નિપેક્ષ શેઠના તપ ઉજવણા ઉત્સવમાં તા. 18 સપ્ટેમ્બરના રોજ સવારે 6.30 કલાકે શક્રસ્તવ અભિષેક અને બપોરે 2.30 કલાકે સાંજી મહેંદી, તા. 19 સપ્ટેમ્બરના રોજ સવારે 6.30 કલાકે તપ વંદનાવલી અને સાંજે 7.30 કલાકે કુમારપાળ મહારાજા આરતી અને તા 20 સપ્ટેમ્બરનાં રોજ પંકજ જૈન સંઘ ખાતે શોભાયયત્રા સહપારણું જેવા વૈવિધ્યસબર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
જૈન શ્રાવક નિપેક્ષ શેઠના તપના પચ્ચખાણદાતા ગચ્છાધિપતિ ગુરૂદેવ પ.પૂ.આ. શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજાએ તપસ્વીને આશીર્વાદ આપતાં અને પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતું કે, “વિકસિત ભારતની અમૂલ્ય ધરોહર આજની યુવાશક્તિ છે, જેઓએ દેશના તમામ સમાજના મૂલ્યોનું જતન કરવાનું છે અને આ મૂલ્યોનું જતન ભૌતિકવાદી યુગમાં 180 દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર અવિચળ રહી શ્રદ્ધા, સંયમ અને આત્મબળની ઉત્કૃષ્ટ તપસ્યા દ્વારા જરૂરથી જાળવી શકાય. ઉપવાસની તપશ્ચર્યા એ કેવળ કાયાને કષ્ટ આપવાનું સાધન નથી, પરંતુ આત્મા પર લાગેલા કર્મોના મેલને ધોવાની આધ્યાત્મિક પ્રક્રિયા છે. નિપેક્ષ શેઠની આ દીર્ઘ તપસ્યા સમગ્ર જૈન શાસન અને સમાજ માટે પ્રેરણાદાયી છે. આ તપશ્ચર્યાથી તેમની આંતરિક શુદ્ધિ થવાની સાથે-સાથે સમાજમાં પણ ત્યાગ અને સમર્પણની ભાવના દ્રઢ બનાવશે.”
