બઢતી-બદલી સહિતના મુદે આજથી મહેસૂલી કર્મીઓની બેમુદતી હડતાળ

સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા મહેસૂલ કર્મચારી મહા મંડળે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું

રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર હવે બરોબરના સામ સામે આવી ગયા છે. એક પણ પક્ષ બાંધછોડ કરવા તૈયાર નથી. બઢતી-બદલી, જોબ ચાર્ટ સહિતના 14થી વધુ પડતર પ્રશ્ર્નોએ લાંબા સમયથી વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા હવે મહેસૂલ કર્મચારી મહામંડળે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે અને આજથી મુદતી હડતાલની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ અને લેન્ડ રેકોર્ડ્સ વર્ગ-3ર્મચારી મંડળની લાંબા સમયથી ઉચ્ચ પગાર ધોરણ અંગે સ્પષ્ટ માંગ છે. જેમાં સિનિયર સર્વેયરને પે- લેવલ-5માંથી લેવલ-6 તેમજ સર્વેયરને લેવલ-4માંથી લેવલ-5 આપવું,વિલંબિત બઢતી-બદલીના હુકમો કરવા, સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવી અને મૂળ જોબ ચાર્ટ સિવાયના વધારાના બોજા સમાન કામકાજ દૂર કરવાનો સમાવેશ થાય છે.આ પ્રશ્ર્નો અંગે સરકાર કક્ષાએ અસંખ્ય રજૂઆતો થઈ હોવા છતાં ફક્ત તારીખ પે તારીખ સિવાય કોઈ નક્કર પરિણામ ન આવતાં કર્મચારીઓનો ધીરજનો અંત આવ્યો છે.
સીટી સર્વે અને જમીન દફતર વિભાગની હડતાળને પગલે પ્રોપર્ટી કાર્ડ, માપણી અને નોંધણીના કામો અગાઉથી જ રઝળી પડ્યા છે. હવે તેમાં મહેસૂલી કર્મીઓ પણ જોડાતાં ખેડૂત ખાતેદારોના દાખલા, જમીનની વારસાઈ, જંત્રી સંબંધી કામગીરી અને સામાન્ય જનતાના વહીવટી કાર્યોમાં ભારે હાલાકી સર્જાશે. કર્મચારી મંડળોએ રોકડું પરખાવ્યું છે કે માસ સીએલ તો માત્ર ટ્રેલર હતું.આજથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂૂ કરી દેવાશે. તો બીજી તરફ તહેવારોની તૈયારીઓ વચ્ચે કચેરીઓના ધરમધક્કા ખાવા મજબૂર બનેલા નાગરિકો માટે આ વહીવટી મડાગાંઠ માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજથી યોજાનારું મહત્વપૂર્ણ મહેસૂલી બોર્ડ મોકૂફ થવાનીશક્યતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે યોજાયેલી મશાલ રેલી અનેમહેસૂલી કર્મચારીઓની ચાલી રહેલી હડતાલના પગલે આ બોર્ડ કેન્સલ કરવામાં આવ્યું હતું. આ બોર્ડમાં જમીન અને મહેસૂલ સંબંધિત અંદાજે 30 જેટલા મહત્વના કેસો પર સુનાવણી હાથ ધરવાની હતી, પરંતુ હડતાલના કારણે અરજદારો અને તંત્રની મુશ્ર્કેલીઓ વધી છે.

કાલથી રાજ્યપાલ બે દિવસ રાજકોટમાં, તંત્ર મૂંઝવણમાં
મહેસૂલી કર્મચારીઓની હડતાલ વચ્ચે આગામી ગુરુવારથી રાજ્યપાલ બે દિવસની મુલાકાતે રાજકોટ આવી રહ્યા છે. મહેસૂલી સ્ટાફ હડતાલ પર હોવાથી વહીવટી તંત્ર મોટી મૂંઝવણમાં મુકાયું છે. આ સ્થિતિને પહોંચી વળવા કલેક્ટર દ્વારા જિલ્લા પંચાયત અને અન્ય સરકારી કચેરીઓના અધિકારીઓને રાજ્યપાલના સ્વાગત અને બંદોબસ્તની કામગીરીમાં તૈનાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ