રાજયના લેન્ડ રેકર્ડઝ કર્મચારીઓની હડતાલ પુર્ણ પડતર માંગણીઓ ઉકેલવા કમીટી બનાવાશે

કેબીનેટ મંત્રી, મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકમાં સકારાત્મક નિર્ણય આવ્યો

ગુજરાત રાજયના મહેસુલી કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે સહિતની પડતર માંગણી મુદ્દે 18 દિવસથી લેન્ડ રેકર્ડઝ વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી હતી. કર્મચારીઓની હડતાલના 18 માં દિવસે મોડી રાત્રે કેબીનેટ મંત્રી અને મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ લેવલ મીટીંગ યોજાઇ હતી. જેમાં મહેસુલ કર્મચારીઓના પડતર પ્રશ્નોની માંગણીઓ ઉકેલવા માટે કમીટી બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે રાજયના મહેસુલી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર મુદ્દાઓ અને માંગણીઓને લઇને છેલ્લા 18 દિવસથી હડતાલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 11 સપ્ટેમ્બરથી પેન ડાઉન, 19 સપ્ટેમ્બરના રોજ માસ સીએલ અને ર1 સપ્ટેમ્બરથી બેમુદતી હડતાલ કરવામાં આવી હતી. મહેસુલ કર્મચારીઓની હડતાલ પગલે જમીનની વારસાઇ નોંધ, આવક અને જાતીના પ્રમાણપત્રના દાખલા, દસ્તાવેજી નોંધ સહિતની અનેક કામગીરીઓ ઠપ્પ થઇ ગઇ હતી. તેમજ કલેકટર કચેરીએ આવતા અરજદારો હેરાન પરેશાન થઇ ગયા હતા.
હડતાલના 18 માં દિવસે ગાંધીનગરમાં રાજય સરકારના પ્રવકતા પ્રધાન જીતુ વાઘાણીની અઘ્યક્ષતામાં મહેસુલ રાજયકક્ષાના પ્રધાન સંજયસિંહ મહિડા અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.જયંતી રવીની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કર્મચારી મંડળની ગ્રેડ પે અંગેની મુખ્ય માંગણી સંદર્ભે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવના અઘ્યક્ષસ્થાને એક વિશેષ કમીટીની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. આ કમીટી દ્વારા મંડળ સાથે વિસ્તુત વિગતો મેળવી રાજયોના વિવિધ વિભાગો સાથે યોગ્ય સંકલન સાધીને પ્રશ્રોની કાયમી અને દુરોગામી ઉકેલ લાવવાનો અભિગમ રાખવામાં આવશે. આમ આજની આ બેઠકમાં મહેસુલી કર્મચારીઓની માંગણીઓ વિષે સકારાત્મક નિર્ણયો લેવાતા મહેસુલી કર્મચારીઓએ બેમુદતી હડતાલનો અંત કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ