એક અઠવાડિયા વહેલું સફારી પાર્ક શરૂ : સતાવાર વેબસાઇટ પર પ્રવાસ પરમીટનું પુન: બુકિંગ શરૂ કરવામાં આવ્યું
નવરાત્રી અને દિવાળી પહેલા પ્રવાસન વિભાગને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ અભ્યારણ અને નેશનલ પાર્કને તા. 9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. સાસણના સાફારી પાર્ક એક અઠવાડિયા પૂર્વે શરૂ થતાં પ્રકૃતિ પ્રેમી અને સિંહ પ્રેમીઓમાં ખુશી જોવા મળી છે. એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી રહેઠાણ તરીકે વિશ્વભરમાં જાણીતું બનેલ સાસણનું ગીર જંગલ સફારી પાર્ક દેશ વિદેશના પ્રવાસીઓ માટે આજે તા. 9 ઓકટોબરથી ખુલ્લુ મૂકવામાં આવશે, જેને લઈને સિંહ અને પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી છે. દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ચોમાસાના કારણે જંગલના બંધ થતા રૂટ અને સિંહના સવનન કાળના કારણે વન વિભાગ દ્વારા સાસણનું સફારી પાર્ક સત્તાવાર રીતે બંધ કરવામાં આવે છે. જો કે આ વર્ષે વરસાદ ખેંચાતા વન વિભાગ દ્વારા સફારી પાર્ક પ્રવાસીઓ માટે મોડો બંધ કરવામાં આવ્યો હતો, અને દર વર્ષે 15 ઓક્ટોબરથી સાસણનું સફારી પાર્ક બંધ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વન વિભાગ દ્વારા એક અઠવાડિયું એટલે કે સાત દિવસ વહેલા સિંહ દર્શન માટે પ્રવાસીઓ માટે સફારી પાર્ક શરૂ કરવામાં આવી રહ્યું છે. ેકે સાસણના હોટેલ એસોસિએશન દ્વારા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પહેલું સફારી પાર્ક શરૂ કરવા રજૂઆત કરાઈ હતી. અને ગત 3 ઓક્ટોબરથી સફારી પાર્ક શરૂ થાય તેવી મોઢવાડિયાએ હૈયા ધારણા આપી હતી. પરંતુ લાંબા વિચારણા બાદ આજે તા. 9 ઓક્ટોબરથી સાત દિવસ વહેલું સફારી પાર્ક પ્રવાસીઓ માટે શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓની પહેલી પસંદ, કુદરતી વાતાવરણમાં સિંહ દર્શનનો રોમાંચ એવા સાસણ ગીરની જંગલ સફારી પાર્કમાં એશિયાટિક સિંહ ઉપરાંત દીપડો, ચિતલ, સાંબર, નીલગાય, ચૌસિંગા, ચિંકારા, જંગલી ભૂંડ, શિયાળ, સોનેરી શિયાળ, હાયના, મગર સહિત અનેક વન્ય જીવો જોવા મળે છે. ગીરની જૈવવિવિધતામાં 41 થી વધુ સસ્તન પ્રાણીઓ, 47 સરિસૃપ પ્રજાતિઓ અને 338 થી વધુ નિવાસી તથા પ્રવાસી પક્ષીઓને દેશ વિદેશ માંથી આવતા પ્રવાસીઓ મન ભરીને જોએ છે, જાણે છે અને માણે છે. સતાવાર માહિતી મુજબ, સાસણના ગીર જંગલ સફારી પાર્કમાં છેલ્લા એક દશકાથી પ્રવાસીઓનો ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. અને સરેરાશ દર વર્ષે દોઢ લાખથી વધુ પ્રવાસીઓ સફારીનો આનંદ લેવા સાસણ ખાતે પહોંચી સિંહ દર્શન સહિત મધ ગીરમાં પ્રકૃતિનો આણંદ ઉઠાવે છે.
પ્રવાસ પરમીટનું પુન: બુકિંગ શરૂ કરાયું
ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર માટે ઓનલાઇન પરમીટ બુકીંગ શરૂ થઇ ગયેલ છે અને પ્રવાસીઓ ઓફિશિયલ વેબસાઇટhttps://girlion.gujarat.gov.in/ પરથી પ્રવાસ પરમીટનું બુકિંગ હવેથી કરી શકશે. તેમ નાયબ વન સંરક્ષક વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
