વેરાવળમાં સમસ્ત મુસ્લીમ સેવા સમાજ બનાવશે રપ0 મકાન, આધુનિક શિક્ષણ સંકુલ

વેરાવળ શહેરમાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજે સમાજ ના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમાજના આગેવાનોની બેઠકમાં આરોગ્ય, શિક્ષણ અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ત્રણ મોટા પ્રોજેક્ટ હાથ ધરવાનો સંકલ્પ કર્યો છે. આ પ્રોજેક્ટ્સમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, નર્સરીથી કોલેજ સુધીનું આધુનિક શિક્ષણ સંકુલ અને ગરીબ પરિવારો માટે 250 મકાન બનાવવાનો સમાવેશ થાય છે. આ અંગે વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અફઝલ પંજાએ જણાવ્યું હતું કે વેરાવળમાં 50 હજારથી વધુ મુસ્લિમ વસ્તી હોવા છતાં, સમુદાય માટે કોઈ સુવિધા સભર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નથી. આના કારણે સામાન્ય અને ગરીબ પરિવારોને સારવાર માટે મોટા શહેરોમાં જવું પડે છે અને ભારે ખર્ચ ભોગવવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે. આ આયોજન મુજબ, સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મોલાના ના વિશાળ મકાનમાં ટૂંક સમયમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરાશે. આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય નફો કમાવવા નો નહીં, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત દરે સારવાર પૂરી પાડવાનો રહેશે. હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિક નિષ્ણાત, એમ.ડી. મેડિસિન, એમ.એસ. સર્જન અને ઓર્થોપેડિક સર્જન જેવા વિવિધ વિશેષતા ધરાવતા ડોકટરોની સેવા ઓ ઉપલબ્ધ કરાશે. શિક્ષણ ક્ષેત્રે પણ સમાજે દુરંદેશી આયોજન કર્યું છે. સમાજ દ્વારા સાડા પાંચ હજાર ગજ થી વધુ વિસ્તારની જમીન મેળવી લેવામાં આવી છે, આ સંકુલ નો મુખ્ય ઉદ્દેશ સમાજ ના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે અને તેઓ સમય સાથે કદમ મિલાવી શકે તે છે.આ ઉપરાંત વેરાવળમાં આવેલ ખારાકુવા અને જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કામ કરતા ગરીબ પરિવારો ને પોતાના ઘરનું સપનું સાકાર થાય તે માટે અલગ અલગ વિસ્તારમાં આશરે 250 મકાનો બનાવવાનો સંકલ્પ પણ કર્યો છે. સમાજના આગેવાનો ના જણાવ્યા મુજબ, રમઝાન ઈદ બાદ આ ત્રણેય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ