390 વિદ્યાર્થી શાળાએ ન ગયા; શિક્ષણ વિભાગ દોડતું થયું
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળા ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. શાળાના એક મહિલા શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીની ઓના ચારિત્ર્ય પર અભદ્ર આક્ષેપો કરવામાં આવતાં રોષે ભરાયેલા વાલીઓ અને ગ્રામજનોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. સોમવારે શાળાના તમામ 390 વિદ્યાર્થી ગેરહાજર રહેતા શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ખાપટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષિકા લલિતાબેન વંશે ગત શુક્રવારે ધોરણ-7માં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થિની પર ગંભીર અને મર્યાદા બહારના ચારિત્ર્યલક્ષી આક્ષેપો કર્યા હતા. આ ઘટનાથી ડરી ગયેલી અને વ્યથિત થયેલી
વિદ્યાર્થીનીઓએ ઘરે જઈ વાલીઓને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતા જોતા, વાલીઓએ સરપંચ પ્રતિનિધિએ કાનાભાઈનો સંપર્ક કર્યો હતો. સોમવારે સવારે મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ ઉમટી પડ્યા હતા અને આચાર્ય મિલનભાઈ ગોસ્વામી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.અને જણાવયુ હતું કે‘શિક્ષિકાની બદલી કરવામાં નહીં આવે, ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલીએ’ઘટનાની જાણ થતા જ કેળવણી નિરીક્ષક હસમુખભાઈ વાઢેર તપાસ અર્થે શાળાએ પહોંચ્યા હતા. જોકે, વિવાદિત મહિલા શિક્ષિકા રજા પર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીનીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે
બીજી તરફ, વાલીઓએ મક્કમતાપૂર્વક જણાવ્યું છે કે, જ્યાં સુધી શિક્ષિકાની બદલી કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ મોકલીશું નહીં.
નોંધનીય છે કે, આ શિક્ષિકા અગાઉ પણ અનેકવાર વિવાદોમાં આવી ચૂક્યા છે. 3 મહિના પહેલાની ધોરણ-6ના એક વિદ્યાર્થીને ફૂટપટ્ટી વડે આંખના ભાગે માર માર્યો હતો, જેમાં વિદ્યાર્થીને ઈજા થઈ હતી. અગાઉની તપાસમાં વર્ગના તમામ વિદ્યાર્થીઓએ કબૂલાત કરી હતી કે, શિક્ષિકા દ્વારા તેમને અવારનવાર
ફૂટપટ્ટીથી મારવામાં આવે છે. અગાઉની ફરિયાદોને આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સજાના ભાગરૂપે તેમનું ઇન્ક્રીમેન્ટ (પગાર વધારો) પણ અટકાવવામાં આવ્યું હતું.
અમારી દીકરીના ચરિત્ર પર આક્ષેપ કર્યા છે. જ્યાં સુધી આ શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી અમારા બાળકો શાળાએ નહીં આવે
હાલમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને વાલીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે. અધિકારીઓ વાલીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, બાળકોનો અભ્યાસ ન બગડે, પરંતુ વાલીઓ પોતાની માગ પર અડગ છે. આ મામલે હવે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ રિપોર્ટ સોંપવામાં આવશે, જેના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે.કેળવણી નિરીક્ષક હસમુખ વાઢેર, ભુપત મેવાડા તેમજ સોનારી પ્રા.શાળાના આચાર્ય વિજયાબેન ચુડાસમા, રાધાકૃષ્ણ પ્રા.શાળાના આચાર્ય અલ્કાબેન મકવાણા ખાપટ આવી પહોંચ્યા છે. ધોરણ 7ની વિદ્યાર્થિ નીઓના નિવેદન વીડિયોગ્રાફી સાથે નોંધવામાં આવશે.એક શિક્ષિકા દ્વારા દીકરીઓના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે અને શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે.
