ખંભાળિયા વિસ્તારમાં આજરોજ એલસીબી પોલીસે જુગારના અખાડા પર દરોડો પાડી રૂ. પોણા બે લાખના મુદ્દામાલ સાથે છ શખ્સોને દબોચી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં હાથ કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર ગોજીયા એન્જિનિયરિંગની સામેની ગલીમાં ગગજી ઉર્ફે અજય ડાડુ ધારાણી નામના 30 વર્ષના શખ્સના કબ્જાના ભાડાના મકાનમાં આ શખ્સ દ્વારા બહારથી માણસો ભેગા કરીને જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરોડા દરમિયાન પોલીસે ગગજી ઉર્ફે અજય ડાડુ ધારાણી, અનિલ વેલજી ડોરૂ, આશિષ છોટુભાઈ મીનસારીયા, વિજય ખીમાભાઈ સોલંકી, કમલેશ દિનેશભાઈ ગોદળીયા અને વિનોદ રાણાભાઈ ચૌહાણ નામના છ શખ્સોને દબોચી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 1,01,500 ની રોકડ રકમ તથા રૂપિયા 40 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન અને રૂપિયા 30 હજારની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,71,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ, પી.એસ.આઈ. એસ.વી. કાંબલીયા, ડાડુભાઈ જોગલ, હરપાલસિંહ જાડેજા, દીપકભાઈ રાવલિયા, ખીમાભાઈ કરમુર, મુકેશભાઈ કેસરિયા, સચિનભાઈ નકુમ અને નરશીભાઈ સોનગરાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
