કલ્યાણપુર હાઇવે પર હોટલની ઓરડીમાંથી 3 હજાર લીટર ડિઝલ ઝડપાયું

પોલીસે 3.20 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી: વેરાવળના શખ્સની શોધખોળ

કલ્યાણપુર પંથકમાં એલસીબી પોલીસે કરેલી કાર્યવાહીમાં કલ્યાણપુર નજીકના પોરબંદર – દ્વારકા માર્ગ પર આવેલા ગોઝીનેસ ગામના પાટીયા પાસે એક આસામીની બંધ હોટલ નજીક ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામના અને હાલ દ્વારકા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં રહીને નોકરી કરતા જીવા મુળાભાઈ કછોટ નામના 45 વર્ષના આહિર શખ્સ દ્વારા સંગ્રહિત કરવામાં આવેલો ડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસની કાર્યવાહીમાં શખ્સ દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી વગર જ્વલનશીલ પ્રવાહી રાખવા બાબતનું લાયસન્સ કે પરવાનો મેળવ્યા વગર તેમજ બિનસાલામત સ્થળે કોઈપણ પ્રકારની તકેદારી રાખ્યા વગર પોતાના કબજા ભોગવતા ઓરડીમાં રાખેલો 3,000 લિટર ડીઝલનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે 2,70,000 ની કિંમતના ડીઝલ ઉપરાંત વેચાણ કરવા ઉપયોગમાં લીધેલી નોઝલ, નળી, પંપ વિગેરે રૂ. 30,000 નો મુદ્દામાલ તથા રૂપિયા 10,000 ની કિંમતનું એક જનરેટર અને રૂ. 10,000 ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા હિસાબની કાચી નોટબુક વિગેરે મળીને કુલ રૂ. 3,20,000 નો મુદ્દામાલ કબજે કરી, આરોપી જીવા મુળા કછોટની અટકાયત કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનો રહીશ ગોવિંદ સરમણ સોલંકી નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું જાહેર થયું છે. જેથી પોલીસે તેને હાલ ફરાર જાહેર કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે બીએનએસ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી અહીંના ડીવાયએસપી મીત રુદલાલ તથા એલસીબી પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ એ.એસ.આઈ. મસરીભાઈ ભાડવાડિયા, દિનેશભાઈ માડમ, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારીયા, પ્રવીણભાઈ માડમ, હસમુખભાઈ કટારા અને વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ