રાજુલાના હિંડોરણા ગામે ધાતરવડી નદીમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર

સ્થાનિક તરવૈયાઓએ લાશ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી

રાજુલા તાલુકાના હિંડોરણા ગામે એક આધેડનો મૃતદેહ મળ્યાની ધટના સામે આવી હતી. હિંડોરણા ગામની ધાતરવડી નદીમાંથી એક 55 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો અનુસાર હિંડોરણા ગામમાં રહેતા 55 વર્ષીય લાલજીભાઈ સોલંકી ગઈકાલથી અચાનક ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. જે બાબતે બપોરે રાજુલા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન બપોરના સમયે હિંડોરણા ગામમાંથી પસાર થતી ધાતરવડી નદીમાં એક આધેડનો મૃતદેહ તરતો હોવાની સ્થાનિકોને જાણ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ સહિતના સ્થાનિક આગેવાનો અને લોકોના ટોળેટોળા નદીકાંઠે એકઠા થઈ ગયા હતા. રાજુલા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતકની ઓળખ લાલજીભાઈ પથુભાઈ સોલંકી (ઉં.વ. 55) તરીકે થઈ હતી. રાજુલા પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ આધેડ નદીમાં કેવી રીતે ડૂબ્યા તે અંગે રાજુલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ