રૂ.10 હજારનો દંડ ફટકારતી અદાલત
ધોરાજીની અદાલતે વર્ષ 2013ના એક ગંભીર હુમલાના કેસમાં મહત્વનો ચુકાદો આપતા, પડોશીને લાકડી વડે બેરહેમીથી માર મારી હાથમાં ફ્રેક્ચર (મહાવ્યથા) પહોંચાડનાર આરોપી સાજીદમિયા મજીદમીયા સૈયદને ગુનેગાર ઠરાવી 3 વર્ષની સખત કેદ અને રૂપિયા 10,000ના દંડની સજા ફટકારી છે.આ કેસની વિગત એવી છે કે ઉમરકોટ ગામે રહેતા ફરિયાદી દેવશીભાઈ ચનાભાઈ મકવાણા અને આરોપી સાજીદમિયા સૈયદ બંને બાજુ-બાજુમાં ખેતીની જમીન ધરાવે છે.
તેમની વચ્ચે કુવાની મોટર ચલાવવા તેમજ ગાડામાર્ગ બાબતે લાંબા સમયથી સિવિલ વિવાદ ચાલતો હતો. ગત તારીખ 15-06-2013ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યે, આરોપીએ ફરિયાદીને રસ્તામાં આંતરી “તું વારંવાર કેમ ફરિયાદો કરે છે?” તેમ કહીને લાકડી વડે આડેધડ હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને ડાબા હાથમાં ગંભીર ફ્રેક્ચર (અસ્થિભંગ) તથા બંન્ને પગ અને શરીર પર ગંભીર ઇજાઓ થઈ હતી, જે અંગે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર (અ.ઙ.ઙ.) જે. વી. જોષી (જયદ્રથ વી. જોષી) રોકાયેલા હતા. તેઓએ તાર્કિક દલીલો રજૂ કરીને ફરિયાદ પક્ષનો કેસ મજબૂત રીતે સાબિત કર્યો હતો: બચાવ પક્ષ દ્વારા આરોપી ગરીબ હોવાનું કહી પ્રોબેશન (કેદ વગર સુધરવાની તક) આપવાની માંગણી કરાઈ હતી. જેની સામે સરકારી વકીલ જે. વી. જોષીએ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સજાની માંગ કરી હતી. અદાલતે પ્રોબેશનનો લાભ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરીને આરોપીને આઈ.પી.સી. કલમ 323, 324 અને 325 અંતર્ગત ગુનેગાર ઠરાવી 3 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. ફરિયાદ પક્ષ તરફેથી સરકારી વકીલ જયદ્રથ વી. જોશી દ્વારા કરવામાં આવેલી કાયદાકીય રજૂઆત અને સર્વોચ્ચ અદાલતના સિદ્ધાંતોનો અસરકારક ઉપયોગ આ કેસના મહત્વપૂર્ણ પાસા તરીકે સામે આવ્યો છે.
