ગીરગઢડાના ભાખા ગામે શાહુડીનો શિકાર કરનાર ભાવનગરના ત્રણ શિકારીઓ સકંજામાં

જામવાળા રેન્જ વનવિભાગની ત્વરિત કાર્યવાહી, કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા બાદ આરોપીઓને જેલહવાલે કર્યા: માત્ર ખાવાના ઈરાદે લુપ્તપ્રાય શાહુડીને મારી નાખી સરકારી વકીલની આકરી દલીલ બાદ જામીન અરજી ફગાવાઈ

ગીર પશ્ચિમના જામવાળા વન વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણના નિયમોને નેવે મૂકીને નિર્દયતાપૂર્વક શાહુડીનો શિકાર કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરના ત્રણ શખ્સો એ વાહનની ટક્કરે ઈજાગ્રસ્ત થયેલી શાહુડીને પકડી, કેરીના બગીચામાં લઈ જઈ ધારદાર હથિયારથી તેનો શિકાર કર્યો હતો. જામવાળા રેન્જ વન વિભાગે સમયસૂચકતા વાપરી ત્રણેય આરોપી ઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા બાદ જામીન અરજી નામંજૂર કરી જેલહવાલે કર્યા છે.
જામવાળા રેન્જ હેઠળ આવતા ભાખા ગામથી જામવાળા ગામ તરફ જતા માર્ગ પર એક શાહુડી અજાણ્યા વાહનની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા ભરતભાઈ ભીમજી સોલંકી, જીવરાજભાઈ રમેશ સોલંકી અને ભરત પરસોત્તમભાઈ સોલંકી (ત્રણેય રહે.ભાવનગર ની નજર ઈજાગ્રસ્ત શાહુડી પર પડી હતી.માનવતાનું ઉદાહરણ પૂરું પાડવાને બદલે ત્રણેય શખ્સોએ ઘાયલ શાહુડીને પકડી લીધી હતી. ત્યારબાદ તેઓ શાહુડીને નજીકમાં આવેલા ચીમનભાઈ ઉકાભાઈ બુહાના કેરીના બગીચામાં લઈ ગયા હતા. જ્યાં ત્રણેયે મળીને જીવતી શાહુડીને ધારદાર હથિયાર વડે મારી નાખી હતી અને તેને ખાવાના ઈરાદે કાપવાની શરૂઆત કરી હતી.
આ ગંભીર ગુનાની જાણ વન વિભાગને થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. ગીર પશ્ચિમ વનવિભાગ,જૂનાગઢ ના ડી.સી.એફ. પ્રશાંત તોમર અને એ.સી.એફ. પ્રભાકર ના સીધા માર્ગદર્શન હેઠળ જામવાળારેન્જનાઆર.એફ. ઓ. એમ.જે. દોમડાની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.ભાયાદર રાઉન્ડ ફોરેસ્ટર ડી.કે.મકવાણા, બીટ ગાર્ડ જે.એમ. જોરાભાઈ, ઉપેક્ષાબેન ચૌહાણ અને હરેશભાઈ સોલંકી સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી શિકાર કરાયેલી શાહુડીના અવશેષો અને ગુના માં વપરાયેલું ધારદાર હથિયાર કબજે કરી ત્રણેય શિકારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ત્રણેય આરોપીઓને જામવાળા રેન્જ ઓફિસ ખાતે લાવી આર.એફ.ઓ. દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ત્રણેય શિકારીઓએ માત્ર ખાવાના ઈરાદે જ શાહુડીનો શિકાર કર્યો હોવાની કબૂલાત કરી હતી. વન વિભાગે આરોપીઓ વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
વન વિભાગે ત્રણેય આરોપીઓને ગીરગઢડા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે વધુ પૂછપરછ માટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકાર પક્ષે સરકારી વકીલ નિગમ જેઠવાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓએ માત્ર મનોરંજન અને ખાવાની લાલચમાં વન્યજીવ અધિનિયમ હેઠળ સંરક્ષિત અને લુપ્તપ્રાય પ્રજાતિ ગણાતી શાહુડીનો નિર્દયતાપૂર્વક શિકાર કર્યો છે. આવા કૃત્યો વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણના સમતુલન માટે અત્યંત ગંભીર ખતરો છે. જો આરોપીઓને જામીન મળશે તો સમાજમાં ખોટો સંદેશ જશે અને અન્ય શિકારીઓને પણ પ્રોત્સાહન મળી શકે છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવી જરૂરી છે.
સરકારી વકીલની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દઈ ત્રણેયને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. કોર્ટના આ કડક વલણથી શિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ વન્યજીવ ઘાયલ અવસ્થામાં મળી આવે તો તેનો શિકાર કરવાને બદલે તાત્કાલિક નજીકની વન કચેરી અથવા હેલ્પલાઈન નંબર પર જાણ કરે. વન્યજીવોનું રક્ષણ એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.

રિલેટેડ ન્યૂઝ