સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનો ભવ્ય પદગ્રહણ સમારોહ સંપન્ન

સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના કર્મનિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના નેતૃત્વ અને પ્રેરક માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને નવા પદાધિકારીઓને આવકારવા માટે સાવરકુંડલા શહેરભરમાંથી પ્રચંડ જનમેદની ઉમટી પડી હતી.
જોગીદાસ બાપુ ખુમાણ નગરસેવા સદન (નગરપાલિકા કચેરી), સાવરકુંડલા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુક્ત તમામ પદાધિકારીઓએ શાસ્ત્રોક્ત વિધિ અને શુભેચ્છાઓ વચ્ચે વિધિવત રીતે પોતાનો હોદ્દો અને કાર્યભાર સંભાળ્યો હતો નવનિયુક્ત પ્રમુખ નયનાબેન કાપડિયા સાથે નવનિયુક્ત ઉપપ્રમુખ નુતનબેન તન્ના તેમજ નવનિયુક્ત ચેરમેન:જીગ્નેશભાઈ ટાંક અને નવનિયુક્ત દંડક:અરવિંદભાઈ મેવાડા સાથે સાથે શાસક પક્ષના નેતાશ્રી દિનેશભાઇ રાઠોડ નગરપાલિકાનો ચાર્જ સંભાળતાની સાથે જ તમામ પદાધિકારીઓએ સૂર પુરાવ્યો હતો કે, તેઓ પ્રજાલક્ષી કાર્યો માટે ચોવીસેય કલાક જાગૃત રહેશે. સ્થાનિક નગરજનોની સમસ્યાઓનો ત્વરિત અને ધારદાર ઉકેલ લાવી સાવરકુંડલાના સર્વાંગી વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જવા તેઓ કટિબદ્ધ છે.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ નવી ટીમને અંત:કરણપૂર્વકની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ નવી ઊર્જાવાન અને સક્ષમ ટીમ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવશે અને સંગઠનની શક્તિથી પ્રજાના હિતમાં શ્રેષ્ઠ પરિણામો આપશે.
ઉપસ્થિત વિશાળ જનમેદનીએ નવા દાયિત્વ સંભાળનાર તમામ પદાધિકારીઓને પુષ્પગુચ્છ અને શુભેચ્છાઓ પાઠવી નવી ઊર્જા અને પ્રેરણા પુરી પાડી હતી.

રિલેટેડ ન્યૂઝ