સિસોટી વાળા બાપુ તરીકે જાણીતા શેષ નારાયણ બાપુ સિંહોની વચ્ચે 5000 ગાયોની કરે છે અનોખી સેવા

અહીં દૂધ ન આપતી, તરછોડાયેલી, રખડતી ગાયોને મળે છે આશ્રય
રાજુલાના માંડણ મોરંગી ડુંગરા પર આવેલ ગૌશાળા સરકારી સહાય વિના ગૌભક્તોની મદદથી ચાલે છે : બાપુની સિસોટીનો સાદ સાંભળીને ગાયો બાપુની સુચનાઓનું પાલન કરે છે!

રાજુલાના માંડણ મોરંગી ડુંગરાઉ પર આવેલો શેષ નારાયણ બાપુનો ગૌશાળા આશ્રમ સમગ્ર વિસ્તારમાં “હોડાવાળી ખોડીયારનો આશ્રમ” તરીકે પ્રખ્યાત છે. છેલ્લા 15 વર્ષથી મહંતશ્રી શેષ નારાયણ બાપુ અહીં એકલા હાથે ગૌસેવાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
આ ગૌશાળામાં 5000 જેટલી ગાયો* છે, પણ એક પણ દૂધ આપતી ગાય નથી. રખડતી, ભટકતી, લૂલી-લંગડી, અપંગ અને લોકો દ્વારા રાતોરાત ત્યજી દેવાયેલી ગૌમાતાને બાપુ આશ્રય આપે છે. રાત્રે કોઈ ગાય આશ્રમ પાસે રેઢી મૂકી જાય તો સવારે બાપુ પોતે તેને આશ્રમમાં લાવી સેવા શરૂ કરી દે છે. દુ:ખની વાત એ છે કે આટલી મોટી ગૌશાળા હોવા છતાં *ગુજરાત સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી. આશ્રમમાં કોઈ ગોવાળ નથી, ઘાસચારો નાખવાવાળું કોઈ નથી. *શેષ નારાયણ બાપુ જાતે જ ગોવાળ છે.* સવારથી સાંજ સુધી એક હાથમાં સિસોટી અને એક હાથમાં ધોકો રાખી બાપુ ગાયોની સેવામાં દોડધામ કરતા રહે છે. ગૌમાતા પણ બાપુને એટલી ઓળખે છે કે બાપુ એક સિસોટી મારે એટલે બધી ગાયો પાણી પીવા દોડી આવે. જુદી સિસોટી વગાડે તો બધી ગાયો બાપુ પાસે લાઈનબંધ ઉભી રહી જાય. સિસોટી ઉપર જ આખી ગૌશાળાનો વહીવટ ચાલે છે. તેથી જ લોકો પ્રેમથી તેમને “સિસોટી વાળા બાપુ” કહે છે. આશ્રમની આજુબાજુ સિંહનો વસવાટ* મોટા પ્રમાણમાં છે. છતાં આજ દિન સુધી સિંહોએ ક્યારેય બાપુને કે ગાયોને હેરાન કર્યા નથી. જાણે વનરાજા પણ બાપુની ગૌસેવાથી પ્રભાવિત હોય! બાપુ જ્યાં બેસે ત્યાં ગાયો, કૂતરા, કુકડા, બકરા, ઊંટ, નીલગાય અને હરણ પણ નિર્ભય બનીને આંટા મારતા હોય છે. આખો આશ્રમ જાણે એક પરિવાર બની ગયો છે. આ ગૌસેવાથી પ્રભાવિત થઈ મોરારીબાપુએ જાતે બાપુને “સિસોટી વાળા બાપુ” ઉપનામ આપ્યું હતું. આ ઉપરાંત લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત અનેક મહાનુભાવો અને સંતોએ આશ્રમની મુલાકાત લઈ બાપુના કાર્યને બિરદાવ્યું છે. માયાભાઈ આહીર અને ફરીદાબેને તો ગૌશાળાના લાભાર્થે ડાયરાઓ પણ કરી ચૂક્યા છે. ગૌસેવા વિશે પૂછતાં શેષ નારાયણ બાપુ બોલ્યા, “આ ગૌશાળા રામ ભરોસે ચાલે છે. ગૌભક્તો ખોળ, શેરડી, ઘાસ જે આપી જાય તેનાથી ગૌસેવા થાય છે. મારે કોઈ નથી, આ ગાયો જ મારો પરિવાર છે. ગાય એટલે મારી મા, હું એનો દીકરો. લોકો જેને નકામી કહી તરછોડી દે છે, એ જ મારે મન લક્ષ્મી છે. સિંહ પણ આ ગૌમાતાને સમજે છે, એટલે જ ક્યારેય હેરાન કરતા નથી. આ ગૌશાળાની સેવાથી પ્રભાવિત ગૌભક્ત કનુભાઈ ધાખડાએ સૌ ભાવિકોને અપીલ કરતા જણાવ્યું કે, “બાપુ એકલા હાથે 5000 ગૌમાતાની સેવા કરે છે. સરકારી મદદ વિના ચાલતી આ ગૌશાળાને આપણા સૌના સહયોગની જરૂર છે. સૌ ગૌભક્તો દાન આપી આ પુણ્ય કાર્યમાં સહભાગી બને.”

રિલેટેડ ન્યૂઝ