વી. એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કોલેજ, બોટાદ ખાતે તા. 21 જૂન, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફમાં યોગ પ્રત્યે જાગૃતિ કેળવવાનો તેમજ સ્વસ્થ જીવનશૈલી માટે યોગના મહત્વને ઉજાગર કરવાનો હતો.
કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના યોગ સંયોજક પ્રવીણભાઈ કળથિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તેમણે યોગના શારીરિક, માનસિક, બૌદ્ધિક તથા આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત અને માહિતીસભર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી છે તથા તણાવમુક્ત અને સ્વસ્થ જીવન જીવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમમાં કોલેજની એન.એસ.એસ. , એન. સી.સી.ની વિદ્યાર્થિનીઓ, પ્રોગ્રામ ઓફિસર તેમજ સમગ્ર અધ્યાપકગણ અને બિનશૈક્ષણિક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. રેખાબા પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. કાંતિલાલ બી. મુંજપરા તથા ઈંચઅઈ સંયોજક ડો. પારુલબેન સતાશિયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે મહેમાનશ્રી પ્રવીણભાઈ કળથિયાનું સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
