શાપુરની જળ હોનારતને આજે 43 વર્ષ પૂર્ણ

ત્યારે એક દિ’માં 70 ઇંચ વરસાદથી શાપુરમાં સર્જાયો હતો જળપ્રલય

ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો-પશુઓ મોતના મુખમાં હોમાઇ ગયા હતા

આજે બધા વરસાદ ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ આજથી 43 વર્ષ પહેલાં 22 જૂન 1983 ના દિવસે શાપુર તેમજ વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને શાપુરમાં આ સમયે ભયંકર જળ હોનારત થઈ હતી જેના દ્રશ્યો આજે પણ એ સમયના વડીલોની આંખો સામેથી દૂર થતા નથી એક જ દિવસમાં 70 ઇંચ જેટલા પડેલ વરસાદથી ચાર નદી ગાંડીતુર બનતા સેકંડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા આજે સોમવાર 22 જુને શાપુર જળ હોનારતને 43 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એક જ દિવસમાં 70 ઇંચ જેટલા વરસાદથી ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી ઓઝત ,કાળવો, ઉબેણ અને મધુવંતી નદી ગાંડીતૂર બની હતી શાપુરમાં જોત જોતામાં ગઢની રાંગ થી ઉપર સુધી પાણી ભરાઈ ગયું હતું લોકો સતત બે દિવસ સુધી મકાનના નળિયા છાપરા કે વૃક્ષો પર ચડીને રહ્યા હતા અને 48 કલાક સુધી પાણી ભરાયેલું રહ્યું હતું રેલ્વે લાઈન સંપૂર્ણપણે નાશ પામી હતી. વીજળીનો એક પણ થાંભલો બચ્યો ન હતો ટેલીફોન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને રસ્તાઓ પૂરેપૂરા તૂટી ગયા હતા ચોથા દિવસે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આવી પહોંચ્યા હતા અને તારાજી જોઈને અવાચક બની ગયા હતા સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ,ટોચના રાષ્ટ્રીય અને રાજકીય નેતાઓ શાપુરની મુલાકાતે આવ્યા હતા અને ફક્ત સાત દિવસમાં સમગ્ર પંથક બેઠો કરી દેવામાં આવ્યો હતો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરો દ્વારા મુખ્ય પ્રચારક એવા સ્વ. સવજીભાઈ કોરાટની આગેવાની નીચે પશુઓના સડેલા અને કોહવાઈ ગયેલા મૃતદેહ એકઠા કરીને અંતિમવિધિ કરવામાં આવી હતી અને ગામમાં સાવરણા લઈને કાદવ કિચડની સફાઈ કરી હતી.

લાકડા ભીના હતા એટલે મૃતદેહને પેટ્રોલથી સળગાવવા પડ્યા હતા
રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અને ગુજરાત રાજ્યની આખી કેબિનેટ જૂનાગઢના સર્કિટ હાઉસમાંથી ચાલતી હતી તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલે દિવસો સુધી શાપુર જુનાગઢ ખાતે મુકામ રાખ્યો હતો. ચારે બાજુ લાઈટ બંધ હતી ફાનસ અને મીણબત્તીના પ્રકાશમાં વહીવટી તંત્ર કામ કરતું હતું ડેડબોડી ની સંખ્યા એટલી બધી હતી કે ટાયર થી સળગાવવા પડ્યા કારણકે લાકડા ભીના હતા તે સમયે જિલ્લા કલેકટર હતા મંજુલાબેન સુબ્રમણ્યમ. અને સાત દિવસમાં વ્યવહાર પૂર્વવત કરાયો હતો.
અનેક લોકો 3 દિવસ સુધી ઝાડ કે થાંભલા પર બેસી મોત સામે ઝઝૂમ્યા હતા
એમ કહેવાય છે આ જળ હોનારતમાં 1200 થી વધુ માનવીઓ માર્યા ગયા હતા તો પશુઓના તો બેસુમાર મોત થયા હતા ગામમાં પૂરના પાણીને લીધે ચારો તરફ દરિયો જ દરિયો હતો દૂધ અનાજ તો શું લોકો પાસે પીવાનું પાણી પણ ન હતું ત્રણ દિવસ સુધી અનેક લોકો મોત સામે ઝઝૂમતા થાંભલે કે ઝાડ પર ચડીને રહ્યા હતા રેલ્વેના પાટા દાતણની ચીરની જેમ ઉખડી ટીંગાઈ ગયા હતા..
2007 માં પણ મીની જળ હોનારત સર્જાઈ હતી
1983 માં જળ હોનારતનો ભોગ બનેલ શાપુર માં ફરી 2007 માં જળ હોનારતનું રિહર્સલ જોવા મળ્યું હતું ચોમાસામાં ભારે વરસાદને લીધે તંત્ર દ્વારા કોઈ પણ સૂચના આપ્યા વગર એકાએક ડેમના દરવાજા ખોલી નાખતા ખાલી પડેલ ઓઝત નદીનો પાળો તોડી શાપુર ગામમાં પાણી ઘૂસી ગયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી લોકોના ઘરમાં કેડ સમા પાણી ભરાઈ જતા ઘર વખરી અને માલ સામાનને ભારે નુકશાન પહોંચ્યું હતું તેમજ ખેતરોમાં પાક ધોવાઈ ગયો હતો આમ આ મીની હોનારતે ફરી 1983 ના જળ હોનારતની યાદ અપાવી હતી.

રિલેટેડ ન્યૂઝ