રજવાડી રેસ્ટોરન્ટના મેનેજર આબિદ માલપરા સામે બ્લેકમેઇલિંગનો ગુનો નોંધાયો

પોલીસે કલાકોમાં આરોપીની ધરપકડ કરી

ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ રોડ સ્થિત રજવાડી રેસ્ટોરન્ટના મેનેજર આબિદ માલપરા સામે બ્લેકમેઇલિંગનો ગુનો નોંધાયો છે. તેણે પરણિતા સહિત બે મહિલાઓના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 2 લાખ પડાવ્યા હોવાનો આરોપ છે.
પોલીસ ફરિયાદ મુજબ, થોડા મહિના પહેલા ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલા પોતાના પરિવાર સાથે આ રેસ્ટોરન્ટમાં ભોજન કરવા ગઈ હતી. તે સમયે મહિલા અને તેની નણંદ વોશરૂમમાં ગયા હતા. મેનેજર આબિદ માલપરાએ પાછળના રસ્તેથી વોશરૂમમાં જઈ તેમના ફોટા પાડી લીધા હતા.
ત્યારબાદ આબિદ માલપરાએ પરણિતાને તેના અને તેની નણંદના ફોટા બતાવી વાયરલ કરવાની ધમકી આપી. તેણે પોતાનો મોબાઈલ નંબર આપીને વાતચીત કરવા દબાણ કર્યું હતું. ફોટા વાયરલ થવાના ડરથી પરણિતાએ મેનેજર સાથે વાતચીત શરૂ કરી હતી.
આ વાતચીત દરમિયાન, મેનેજર આબિદ માલપરાએ પરણિતા પાસેથી અત્યાર સુધીમાં કુલ 2 લાખ પડાવ્યા હતા. તેણે પરણિતા પર તેના પતિને છૂટાછેડા આપવા માટે પણ દબાણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વારંવાર રૂપિયાની માંગણી અને દબાણથી કંટાળીને પરણિતાએ આ સમગ્ર બાબત પોતાના પરિવારને જણાવી. પરિવારની હિંમત મળતા, રજવાડી રેસ્ટોરન્ટના મેનેજર આબિદ માલપરા વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુનો નોંધાયા બાદ સ્થાનિક પોલીસે આબિદ માલપરાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ