સલાયામાં મોહરમમાં થયેલી બે ઘરફોડ ચોરીના આરોપીને દબોચી લેવાયો

પોલીસે રૂ.65,440નો મુદ્દામાલ કબ્જે કર્યો

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત સપ્તાહમાં મોહરમના તહેવારમાં રાત્રિના સમયે જુદા જુદા બે રહેણાંક મકાનમાં થયેલી ચોરીમાં સલાયા મરીન પોલીસે સ્થાનિક રહીશ એવા એક શખ્સને દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે સલાયાના ડી.વી. નગર વિસ્તારમાં રહેતા જુલેખાબેન અલી અસગરભાઈ ચબાના રહેણાંક મકાનમાંથી ગત શુક્રવારે રાત્રિના સમયે સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. 37,940 ના મુદ્દામાં તેમજ આ જ વિસ્તારમાં રહેતા સમીરાબેન સદ્દામભાઈ ચબાના રહેણાંક મકાનમાંથી રૂપિયા 22,200 ના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.
આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. મિત રુદલાલના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. જે.એમ. ચાવડાના વડપણ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બાતમીના આધારે સલાયાના વાલ્મીકી વાસ વિસ્તારમાં રહેતા રસીદ સુલેમાન ચામડીયા નામના શખ્સ ને પોલીસ સ્ટાફે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઇ અને આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સે ઉપરોક્ત બે ચોરીની કબુલાત આપી હતી.
આથી પોલીસે સોના ચાંદીના દાગીના, જુદા જુદા પ્રકારના આઠ મોબાઈલ ફોન, હથિયાર વિગેરે સહિત કુલ રૂપિયા 65,440 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં સલાયા પોલીસ સ્ટાફના પીઠાભાઈ જોગલ, ઓમદેવસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર અને કરણભાઈ સોંદરવા જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ