સ્નેકકેચરની મદદથી સાપને સલામત રીતે બહાર કઢાયો
ઉના એસ.ટી. બસ સ્ટેન્ડથી પોરબંદર જતી લોકલ બસમાંથી અત્યંત ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ઉના-પોરબંદર રૂટની બસ સવારે મુસાફરો સાથે બસ સ્ટેન્ડથી રવાના થઈ હતી. શહેરથી આશરે 5 કિ.મી. દૂર ગીરગઢડા રોડ પર પહોંચતા જ બસ ચાલક જીવાભાઈ મકવાણાની નજર કેબિનના આગળના ભાગમાં સાપ પર પડી.ચાલકે તાત્કાલિક સૂઝબૂઝ વાપરી બસથંભાવી દીધી અને મુસાફરોને જાણ કરી. સાપની જાણ થતાં જ મુસાફરો ડરી ગયા અને ફટાફટ બસમાંથી નીચે ઉતરી ગયા.
સાપ ચાલકની કેબિનમાં હોવાથી કોઈ બસમાં જવાની હિંમત કરી શક્યું નહીં.તાત્કાલિક સ્નેક કેચર અશોક ભાઈ ચૌહાણને બોલાવવામાં આવ્યા. અશોકભાઈએ લગભગ અડધો કલાકની મહામુસીબત બાદ સાપને સલામત રીતે બહાર કાઢ્યો હતો.
સ્નેક કેચર અશોકભાઈએ જણાવ્યું કે, આ સાપ ઇન્ડિયન કોમન ક્રેટ હતો. આ સાપ વિશ્વનો બીજા નંબરનો સૌથી ઝેરી સાપ ગણાય છે અને તેને ’સાયલેન્ટ કિલર’ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સાપ કરડે તો ખ્યાલ પણ ન પડે અને મોટાભાગે રાત્રિના સમયે જોવા મળે છે. દિવસે આ સાપ ભાગ્યે જ જોવા મળતો હોય છે.
સાપનું સફળ રેસ્ક્યુ થયા બાદ ચાલક સહિત તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો.જોકે,સાપ નીકળવા ના ડરના કારણે કોઈ પણ મુસાફર ફરી એ બસમાં બેસવા તૈયાર ન થયા. અંતે તમામ મુસાફરો અન્ય બસમાં બેસીને પોતાના ગંતવ્ય સ્થાને રવાના થયા. બસ ચાલક જીવાભાઈની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
