કોડીનારના મિતીયાજ ગામે 11 કે.વી. વીજ લાઈન દીપડા માટે કાળ બની

ઝાડ પર ચડતી વેળાએ કરંટ લાગતા દીપડાનું મોત; વન વિભાગે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જામવાળા ખસેડ્યો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામે શનિવારે વન્યજીવ સંરક્ષણને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામ નજીક લીમડાના ઝાડ પર ચડતી વખતે 11 કે.વી.ની હાઈવોલ્ટેજ વીજ લાઈનનો કરંટ લાગતાં એક પુખ્ત નર દીપડાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે વન્યજીવ પ્રેમીઓમાં પણ ભારે અરેરાટી ફેલાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મિતીયાજ ગામના ઝાંપા પાસે મિતીયાજથી મજેવડી તરફ જતા આર.સી.સી. રોડની બાજુમાં આવેલા 11 કે.વી. વીજ થાંભલામાંથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈન બાજુમાં આવેલા ઘટાદાર લીમડાના ઝાડની ડાળીઓ વચ્ચેથી પસાર થાય છે. આ દરમિયાન એક પુખ્ત નર દીપડો ઝાડ પર ચડી રહ્યો હતો ત્યારે અકસ્માતે તેનો સંપર્ક જીવંત વીજ તાર સાથે થતાં તેને જોરદાર કરંટ લાગ્યો હતો. ભારે વીજ આંચકાને કારણે દીપડો ઝાડ પરથી નીચે પટકાયો હતો અને ક્ષણોમાં જ તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોએ રોડ કિનારે પડેલો દીપડાનો મૃતદેહ જોયો. ત્યારબાદ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં રાઉન્ડ ફોરેસ્ટર સોલંકી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
વન વિભાગે મૃતદેહનો કબજો મેળવી જરૂરી પંચનામું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દીપડાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.
આ ઘટનાએ ફરી એકવાર ગીર કાંઠાના વિસ્તારોમાં ઝાડોની વચ્ચેથી પસાર થતી ખુલ્લી હાઈવોલ્ટેજ વીજ લાઈનોના જોખમને ઉજાગર કર્યું છે. અગાઉ પણ આવા બનાવોમાં સિંહ, દીપડા સહિતના વન્યજીવોના મોત નોંધાયા છે. સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓએ વન વિભાગ તેમજ પીજીવીસીએલ દ્વારા આવા જોખમી સ્થળોનું સંયુક્ત સર્વેક્ષણ કરી વીજ લાઈનોને સુરક્ષિત બનાવવાની અને ઝાડોની નિયમિત કાપકૂપ કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવા કરુણ બનાવો અટકાવી શકાય.

રિલેટેડ ન્યૂઝ