વરસાદી માહોલમાં સ્મશાન યાત્રા માટે વૈકુંઠ રથની વ્યવસ્થા કરી
તાજેતરમાં વિસાવદરના વોર્ડ નં. 3 માં આવેલા ગાયત્રી પ્લોટ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં કાબરા નદી કિનારે રહેતા દેવીપૂજક સમાજના રવજીભાઈ પંચોળીના ધર્મપત્નીનું અવસાન થયું હતું. આ સમયે વરસાદી માહોલ હોવાથી પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. આ દુ:ખદ સમયે પરિવારની મદદે શાસ્ત્રી જસ્મીનભાઈ જાની દ્વારા વોર્ડ નં. 3 ના નગરસેવક નિલેશભાઈ દવેને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ નિલેશભાઈ દવે તત્કાલ અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વરસાદી વાતાવરણ હોવા છતાં, તેમણે સંવેદના દાખવીને મૃતદેહને માનભેર વિદાય આપવા માટે સ્મશાન યાત્રા માટે રથની વ્યવસ્થા કરી હતી. સાથે જ, પરિવારજનો માટે સ્નાન વગેરેની સુવિધા માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી સ્મશાન સુધી પહોંચવા માટેના રસ્તા અને અન્ય જરૂરી સુવિધાઓ માટે ત્વરિત કામગીરી કરી હતી. નગરસેવક નિલેશભાઈ દવેએ પરિવારને આશ્વાસન આપતા ખાતરી આપી હતી કે, આવા કપરા સમયમાં અને ભવિષ્યમાં પણ ચોમાસા જેવી સ્થિતિમાં પરિવારને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
