24 કલાકમાં 13 ઈંંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ : સનખડા-ગાંગડા ગામમાંથી 250 લોકોનું સ્થળાંતર
મોનસૂનના પ્રથમ જ ધોધમાર વરસાદે ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા તાલુકામાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઉના તાલુકામાં આશરે 13 ઈંચ અને ગીરગઢડા તાલુકા માં 6થી 8 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર પંથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મધ્ય ગીરના જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે રાવલ, શાહી અને માલણ સહિતની નદીઓમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. પરિણામે અનેક ગામોમાં પાણી ઘૂસી જતાં લોકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે.
ઉના અને દીવને પીવાનું પાણી પૂરું પાડતો રાવલ ડેમ પ્રથમ જ વરસાદમાં 70 ટકા સુધી ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે રાવલ ડેમના નીચાણવાળા 11 ગામોને એલર્ટ જાહેર કર્યું છે. ગ્રામજનોને નદીના પટમાં ન જવા, નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
ઉના ના સનખડા, ગાંગડા, ખત્રિવાડા, વ્યાજપુર, સૈયદ રાજપરા, ભાચા, નાઠેજ સહિતના અનેક ગામો માં વરસાદી પાણી અને નદીના પૂરનું પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા હતા. અનેક વિસ્તારોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ઘરવખરી, અનાજ, કપડાં, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ પશુઓના ચારા સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું છે. લોકો આખી રાત ઘરની અગાશી અને મકાનના ઉપરના માળે બેસીને પાણી ઓસરવાની રાહ જોતા રહ્યા હતા.
રાવલ નદીમાં આવેલા ઘોડાપૂરે ગીરગઢડા તાલુકામાં પણ ભારે તારાજી સર્જી હતી. ધોકડવા નજીકનું ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. નિતલી ગામે નદી બે કાંઠે વહેતાં સામે કાંઠાના લોકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. સામતેર-પાતાપુર માર્ગ પરનું નાળું બેસી જતાં માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. અનેક સ્થળોએ પુલો પર ઝાડ અને કચરો ફસાઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્મશાનની છાપરી, કૂવાના ઇલેક્ટ્રિક મોટર અને વીજ વાયરો પણ પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા.રાવલ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે માલણ નદી પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સૈયદ રાજપરા બંદર વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. દરિયામાં બાંધેલી 10 નાની-મોટી બોટો પૂરના પ્રવાહમાં ફંગોળાઈ ગઈ હતી. તેમાંથી બે બોટ ડૂબી જતાં પાંચ ખલાસીઓ દરિયામાં ફસાઈ ગયા હતા.મોડીરાત્રે સ્થાનિક તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ પ્રકાશભાઈ બાંભણીયા સહિત આગેવાનો, ગ્રામજનો અને બચાવ ટીમોએ જોખમ વચ્ચે કામગીરી કરીને તમામ ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર અનેક સ્થળોએ પાણી ફરી વળતાં કલાકો સુધી વાહનવ્યવહાર પ્રભાવિત રહ્યો હતો. સનખડા નજીક હાઈવે કિનારે આવેલી અનેક હોટલોમાં પાંચ ફૂટ સુધી પાણી ઘૂસી જતાં ફર્નિચર, રસોડાનો સામાન અને અન્યમાલસામાન ને ભારે નુકસાન થયું છેનાઠેજ સહિતના ગામોમાં ખેતરો માં પાણી ફરી વળતાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. ભડિયાદર ગામમાં તાજેતરમાં બનાવાયેલી ગટર યોજના પ્રથમ જ વરસાદમાં નિષ્ફળ સાબિત થતાં આશરે 200 જેટલા ઘરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું.
સતત ધીમીધારે વરસી રહેલા વરસાદને કારણે નદી નાળા છલકાયાં છે ગીર વિસ્તારમાં આવેલ મચછુનદ્વી ડેમ ઓવરફ્લો થયો છે અને દ્રોણેશ્વર પિકપ ચેક ડેમ ઓવરફ્લો થતાં ઉના ની મચ્છુ નદી નદી મા પણ ઘોડાપુર આવ્યા છે અને નિચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સુચનાઓ આપી છે હાલ આ લખાય છે ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે
દરિયામાં તણાયેલી બોટમાંથી 4 માછીમારોનું કોસ્ટગાર્ડે કર્યું સફળ રેસ્ક્યુ
નદીમાં આવેલા પૂરના કારણે ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામના દરિયાઈ ખાડી વિસ્તારમાં લાંગરેલી અનેક બોટો અને નાની હોડીઓ લંગર તોડી સમુદ્રમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં કોસ્ટગાર્ડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે સૈયદ રાજપરા ખાતે દોડી આવી હતી. કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી કમલેશ જીલુભાઈ બારૈયા, નરશી બચુભાઈ બાંભણીયા, રવજી બાબુભાઈ શિયાળ અને રામજી બાબુભાઈ શિયાળનો રેસ્કયું કર્યું છે. સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. ભારે વરસાદને કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડને સતત સતર્ક રાખવામાં આવ્યા છે.
સુલતાનપુરમાં ઘરમાં ફસાયેલા 4 લોકોનું એસડીઆરએફ અને તંત્રએ રેસ્ક્યૂ કર્યું
ઉના તાલુકાના સુલતાનપુર ગામમાં અડધી રાતે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં ચાર લોકો ઘરમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં એસડીઆરએફની ટીમે તાત્કાલિક રેસ્કયું કરી લોકોને સલામત બહાર કાઢી ગામની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા.
સૌથી ગંભીર સ્થિતિ સનખડા ગાંગડા ગામમાં સર્જાઈ હતી. રાત્રે આશરે એક વાગ્યે ગામની નજીક આવેલી રૂપેણ નદીનો પાળો તૂટી જતાં નવા પ્લોટ વિસ્તાર અને ઊંટવાળા રોડ વિસ્તારમાં પૂરનું પાણી ધસી આવ્યું હતું. થોડા જ સમયમાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આશરે 250 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વહીવટીતંત્રે તાત્કાલિકમામલતદાર કચેરી, તાલુકા પંચાયત,પોલીસવિભાગ, એસડીઆર એફ અને સ્થાનિક ટીમોને સ્થળ પર દોડી ગયા હતાં. રાતોરાત હાથ ધરાયેલી સંયુક્ત બચાવ કામગીરીમાં તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગાંગડા પ્રાથમિક શાળા અને બાપા સીતારામ આશ્રમ ખાતે આશરે 115 લોકોને રહેવા, જમવા અને સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે અન્ય લોકો પોતાના સગાસંબંધીઓના ઘરે ખસેડાયા હતાસમયસર કરાયેલી કાર્યવાહીથી કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
