કોડીનાર-રોણાજ રોડના 30 ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો
કોડીનાર પંથકમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. બે દિવસ અગાઉ કોડીનાર-અમરેલી સ્ટેટ હાઈવે પર મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થતાં આશરે 30થી 35 ગામોનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ત્યારે આજે ફરી એકવાર કોડીનાર-રોણાજ રોડ પર વિશાળ વડનું વૃક્ષ રસ્તા પર ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.અચાનક રસ્તા પર મહાકાય વૃક્ષ પડી જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રોજિંદા અવરજવર કરતા ગ્રામજનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ અન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, ભાજપ પરિવાર હેલ્પ સેન્ટરના કાર્યકરો તથા અન્ય સેવાભાવી લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જેસીબી મશીનોની મદદથી રસ્તા પર પડેલા વિશાળ વૃક્ષને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ માર્ગને વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સતત વરસાદને કારણે કોડીનાર પંથકમાં જૂનાં અને વિશાળ વૃક્ષો જોખમી બની રહ્યા છે. એક પછી એક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા માર્ગોની બાજુમાં આવેલા જોખમી વૃક્ષોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી હોય ત્યાં કાપકૂપ અથવા સલામતીના પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.
પ્રશાસને પણ લોકોને વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, સાવચેતી રાખવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક તંત્ર અથવા ભાજપ હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ કરી છે. સતત વરસાદને કારણે જનજીવન પર અસર યથાવત રહેતાં તંત્ર એલર્ટ મોડમાં રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
