સૈયદ રાજપરા બંદરમાં પાર્કિગ જેટીના અભાવે સાત બોટ દરિયામાં ડૂબી: કરોડોનું નુકસાન

પાંચ બોટ તુટી ગઇ: ત્રણ બોટ હજુ પણ દરિયાની ભેખડો વચ્ચે ફસાઈ

ચોમાસાના પ્રથમ જ વરસાદે ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા રાજ્યના મહત્વના માછીમારી બંદરોમાંના એક સૈયદ રાજપરા બંદર પર કુદરતી આફતનું ગંભીર દૃશ્ય સર્જ્યું છે. મધ્ય ગીર જંગલ વિસ્તારમાંધોધમારવરસાદ બાદ રાવલ નદીમાં આવેલા પ્રચંડ પાણીના પ્રવાહે બંદર ની ખાડીમાં લંગારેલી બોટોને તબાહી તરફ ધકેલી દીધી છે. પાર્કિંગ જેટીની સુવિધા ન હોવાથી ખાડીમાં બાંધેલી બોટો ધસમસતા પાણીના પ્રવાહમાં ફંગોળાઈ ગઈહતી. પરિણામે સાત ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ, જ્યારે દરિયાની ભેખડો સાથે અથડાઈ પાંચ બોટ સંપૂર્ણપણે ફાટી-તૂટી ગઈ છે. આ ઘટનામાં અંદાજે રૂ. બે કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે.
સૈયદ રાજપરા બંદર ઉનાથી આશરે 20 કિલોમીટર દૂર દરિયાકાંઠાના છેવાડે આવેલું રાજ્યનું મહત્વનું પરંપરાગત માછીમારી બંદર છે. અહીં 10 હજારથી વધુ માછીમારોનો વસવાટ છે અને સમગ્ર વિસ્તારનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. અંદાજે 500થી વધુ ફિશિંગ બોટો ધરાવતું આ બંદર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ધારાબંદર સાથે જોડાયેલું છે. સમગ્ર વિસ્તાર ના હજારો પરિવારોનો જીવનનિર્વાહ દરિયા પર આધારિત હોવાથી આવી કુદરતી આફતો સમગ્ર અર્થતંત્રને સીધી અસર પહોંચાડે છે.
માછીમારોના જણાવ્યા મુજબ હજુ પણ ત્રણ બોટ દરિયાની ભેખડો વચ્ચે ફસાયેલી છે. દરિયામાં સતત ઉછળતા મોજા અને જોખમી પરિસ્થિતિને કારણેબોટો ને બહાર કાઢવી મુશ્કેલ બની છે. જો આગામી દિવસો માં પણ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આ બોટો પણ દરિયામાં તૂટી જવાની પૂરી શક્યતા છે.
માછીમારોનો આક્ષેપ છે કે દરિયામાં ફસાયેલી બોટોને બચાવવા માટે ફિશરીઝ વિભાગ પાસે કોઈ કાયમી બચાવ વ્યવસ્થાનથી.કરોડો રૂપિયાની બોટો દરિયામાં ફસાયેલી હોવા છતાં તેને બહાર કાઢવા માટે જરૂરી ટગબોટ, ટોલર કે ભારે મશીનરી ઉપલબ્ધ નથી. માછીમારોનું કહેવું છે કે જો કોસ્ટ ગાર્ડના સહયોગથી સીપ કંપનીનું ટોલર ઉપલબ્ધ કરાવવામાં આવે તો દરિયાની ભેખડો વચ્ચે ફસાયેલી બોટોને સુરક્ષિત રીતે કાંઠે લાવી શકાય. સરકાર સમક્ષ તાત્કાલિક સહાય અને બચાવ કામગીરી ની માંગ ઉઠી છે

સમગ્ર ઘટનાને લઈ તાલુકા પંચાયતના પ્રતિનિધિ શું કહે છે ?
મહિલા પ્રમુખ વૈશાલીબેનના પ્રતિનિધિ તેમજ માછીમાર મંડળના અગ્રણી પ્રકાશભાઈ બાંભણિયાએ સરકાર, ફિશરીઝ વિભાગ, પોર્ટ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે હજુ દરિયામાંફસાયેલી બોટોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેમજ નુકસાનગ્રસ્ત માછીમારોને યોગ્ય વળતર અને આર્થિક સહાય આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી
દાયકાઓથી વિકાસની રાહ જોતું સૈયદ રાજપરા બંદર
સૈયદ રાજપરા બંદર રાજ્યના મહત્વના માછીમારી બંદરોમાં સ્થાન ધરાવતું હોવા છતાં આઝાદી બાદ દાયકાઓ સુધી તેનો યોગ્ય વિકાસ થયો નથી. છેલ્લા પાંચ-સાત વર્ષમાં કેટલીક વિકાસલક્ષી કામગીરી થઈ હોવા છતાં આજે પણ બંદરે આધુનિક સુવિધાઓનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. બોટ પાર્કિંગ જેટી, મજબૂત લંગાર વ્યવસ્થા, વેપારી માછીમારો માટે ફિશિંગ સ્ટોર, બોટ મેન્ટેનન્સ યાર્ડ, દરિયાઈ ડ્રેજિંગની નિયમિત વ્યવસ્થા અને ઇમરજન્સી બચાવ સાધનો જેવી અનેક સુવિધાઓ આજે પણ ઉપલબ્ધ નથી. કાયમી ઉકેલની માંગ ઉગ્ર બની છે
દર ચોમાસે આવી સ્થિતિ સર્જાઈ રહીં છે!
સ્થાનિક માછીમારોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન આવી જ પરિસ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ માટે કોઈ નક્કર આયોજન થતું નથી. જો બંદરે આધુનિક પાર્કિંગ જેટી, મજબૂત લંગાર વ્યવસ્થા અને પૂરતી સુરક્ષા સુવિધાઓ ઊભી કરવામાં આવે તો દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન અટકાવી શકાય. સાથે જ હજારો માછીમારોના રોજગાર અને જીવનભરની મૂડીને સુરક્ષિત રાખી શકાય. હવે સ્થાનિકોમાં એવી માંગ ઉઠી છે કે સરકાર સૈયદ રાજપરા બંદરનેઆધુનિક માછીમારી બંદર તરીકે વિકસાવી જરૂરી તમામ સુવિધા ઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવે.

રિલેટેડ ન્યૂઝ