ગીરગઢડાના ધોકડવા ગામે વનવિભાગ દ્વારા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ

રાત્રે 2 વાગ્યે પહોંચેલી ટીમે સાવચેતીપૂર્વક અજગરને પકડી સુરક્ષિત સ્થળે છોડ્યો

ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે દિનેશભાઈ ગુણા ભાઈ બલદાણીયાની વાડીમાં અચાનક વિશાળ અજગર દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અજગર દેખાતાં પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી.
માહિતી મળતાં જ વનવિભાગની ટીમ રાત્રે અંદાજે 2 વાગ્યે સ્થળ પર દોડી આવી હતી. વનવિભાગના અધિકારી સારલાભાઈ તથા તેમની ટીમે અત્યંત સાવચેતી અને કુશળતા સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહાકાય અજગરને સફળતાપૂર્વક પકડી લીધો હતો. ત્યારબાદ અજગરને તેના કુદરતી નિવાસસ્થાન એવા સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વનવિભાગની સમયસર અને સતર્ક કામગીરીના કારણે કોઈ જાનહાનિ કે અન્ય પ્રકારનું નુકસાન થયું નહોતું. ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ સફળ રેસ્ક્યુ બાદ ધોકડવા ગામ સહિત આસપાસના વિસ્તારના લોકોએ વનવિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. ખાસ કરીને સારલાભાઈ અને તેમની સમગ્ર રેસ્ક્યુ ટીમની ત્વરિત કામગીરી, બહાદુરી અને જવાબદારીની ભાવનાને ગ્રામજનોએ બિરદાવી હતી.

રિલેટેડ ન્યૂઝ