ગ્રામિણ મહિલાઓના કૌશલ્ય અને આત્મનિર્ભરતાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. કેરળના કોચીન ઇન્ટરનેશનલ સરસ મેળા ખાતે બ્લોક સિહોરના ‘શિવાની સખી મંડળ’ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા સ્ટોલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે આકર્ષણ જમાવ્યું છે, જે સમગ્ર પંથક માટે ગૌરવની ક્ષણ બની છે.
કોચીન ખાતે યોજાયેલા આ ભવ્ય મેળા દરમિયાન ચીનના મંત્રીમંડળના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે સિહોરના શિવાની સખી મંડળના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે સખી મંડળની બહેનો દ્વારા પોતાના હસ્તે તૈયાર કરવામાં આવેલી અદ્ભુત હસ્તકલાની કૃતિઓ અને સ્થાનિક ઉત્પાદનોને બારીકાઈથી નિહાળ્યા હતા. તેમણે બહેનોની કળાની પ્રશંસા કરી હતી અને તેમના આ હુનર તેમજ ભગીરથ કાર્ય વિશે વિગતવાર માહિતી મેળવીને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સફળતાની કડીમાં વધુ એક મોરપીંછ ઉમેરતા, બ્રિક્સ વિમેન્સ બિઝનેસ એલાયન્સ ના બ્રાઝિલિયન ચેપ્ટરના અધ્યક્ષ મોનિકા મોન્ટેઇરોએ પણ આ સ્ટોલની ખાસ મુલાકાત લીધી હતી. તેમણે વૈશ્વિક બિઝનેસના દ્રષ્ટિકોણથી ગ્રામિણ મહિલાઓના આર્થિક સશક્તિકરણના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
આ મુલાકાતો માત્ર એક પ્રદર્શન પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રામિણ વિસ્તારની બહેનોના કૌશલ્ય, આત્મનિર્ભરતા અને તેમની મહેનતને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડનારી સાબિત થઈ છે. સિહોરના શિવાની સખી મંડળે સાચા અર્થમાં “લોકલ ટુ ગ્લોબલ” ના સૂત્રને સાર્થક કરીને બતાવી દીધું છે કે જો તક મળે તો ભારતીય નારી શક્તિ ગ્રામિણ સ્તરેથી વૈશ્વિક ઓળખ ઊભી કરી શકે છે.
