સૌરાષ્ટ્રમાં કોરોનાનો પગ પેસારો : વાંકાનેરમાં ખેડાથી આવેલી મહિલાનો પોઝીટીવ કેસ જાહેર

તાત્કાલીક ધોરણે વિસ્તારને બેરીકેડ કરી ક્વોરન્ટાઈન જાહેર

હવે સૌરાષ્ટ્રમાં કોરોનાનો પગપેસારો થયો છે. વાંકાનેર તેમજ ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 13 મહિનાથી શાંત પડેલા કોરોના વાયરસનો પુન: પગપેસારો થતાં સમગ્ર આરોગ્ય આલમ અને સ્થાનિક તંત્રમાં ભારે સળવળાટ તથા દોડધામ મચી જવા પામી છે. વાંકાનેર શહેરમાં આવેલા હનુમાન શેરી વિસ્તારમાં રહેતી એક મહિલા કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તબીબી આલમ હરકતમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે એક વર્ષ પૂર્વે એટલે કે જૂન 2025માં સૌરાષ્ટ્રમાં કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ હવે 13 માસના લાંબા અંતરાલ પછી મોરબી જિલ્લાના વાંકાનેરમાં પ્રથમ કેસ નોંધાતા જ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, વાંકાનેરના હનુમાન શેરી મેઈન રોડ પર રહેતી એક મહિલા તાજેતરમાં જ ખેડા જિલ્લાની મુસાફરી કરીને પરત આવી હતી. ખેડાથી પરત આવ્યા બાદ મહિલાને શારીરિક અસ્વસ્થતા અને તાવના લક્ષણો જણાતા તેઓ સારવાર અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે દર્દીની પ્રાથમિક તપાસ દરમિયાન કોવિડ-19ના લક્ષણો જણાતા ત્વરિત કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ આવતા જ મહિલા કોરોના પોઝીટીવ હોવાનું વાંકાનેરમાં કોરોના પોઝીટીવ કેસ મળ્યાની જાણ સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા ત્વરિત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓને કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં લાંબા સમય બાદ પ્રથમ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સહિતનું સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયું હતું. સંક્રમણ અન્ય લોકોમાં ન ફેલાય તે માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરતા વાંકાનેરના હનુમાન શેરી વિસ્તારને બેરિકેટિંગ કરીને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં સેનિટાઇઝેશન સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે. ંક્રમિત મહિલાની હાલની આરોગ્ય વિષયક સ્થિતિ સ્થિર હોવાનું તબીબી સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે, વધુ સઘન સારવાર અને સંભાળ માટે આ મહિલા દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાક્રમને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ પૂર્ણપણે સતર્ક બની ગયું છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડને ત્વરિત સક્રિય કરવામાં આવ્યો છે અને મહિલાની તાત્કાલિક સારવાર માટેની તમામ સુવિધાઓ, ઓક્સિજન તથા જરૂરી દવાનો જથ્થો ઉભો કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વાંકાનેર આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે પણ સમગ્ર બાબતની જાણ કરવામાં આવી છે. સંક્રમિત મહિલા ખેડાથી પરત આવ્યા બાદ પોઝીટીવ આવી હોવાથી, સંક્રમણનું મૂળ શોધવા માટે ગાંધીનગર કક્ષાએથી ખેડા જિલ્લા આરોગ્ય તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. ખેડા તંત્ર દ્વારા મહિલા જે સ્થળે રોકાઈ હતી તે વિસ્તાર અને તેના સંપર્કમાં આવેલા લોકો અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.13 મહિનાના વિરામ બાદ ફરી કોરોનાનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગે નાગરિકોને ભયભીત ન થવા પરંતુ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

ભાવનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી પાલીતાણા પ્રવાસે આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
કોરોનાનો નવો કેસ આવતા તંત્ર દોડતુ થયું
(પ્રતિનિધિ દ્વારા) ભાવનગર તા.30
ભાવનગર જિલ્લામાં કોરોનાનો નવો કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મોરબી જિલ્લામાંથી ભાવનગરના પાલીતાણા ખાતે પ્રવાસે આવેલી એક 43 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પાલીતાણા પ્રવાસ દરમિયાન મહિલાની તબિયત લથડતાં તેમને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલા 28 જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા, ત્યારબાદ 29 જુલાઈના રોજ આવેલો તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટના સંદર્ભે ભાવનગરના આરોગ્ય વિભાગ દ્વારા મોરબી પ્રશાસનને પણ જાણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી ચકાસવા તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોની પૂછપરછ અને ટ્રેસિંગ માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવી જરૂરી બની છે.

રિલેટેડ ન્યૂઝ