ખિલાવડ-ઇટવાયા રોડ પર નર સિંહ અને બે સિંહણ રસ્તો ક્રોસ કરતાં વનવિભાગે થોડા સમય માટે વાહન વ્યવહાર રોકી સુરક્ષિત માર્ગ બનાવ્યો
ગીર પૂર્વ વનવિભાગ હેઠળની જસાધાર રેન્જમાં બુધવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન ખિલાવડ-ઇટવાયા રોડ નજીક એક નર સિંહ અને બે સિંહણ જોવા મળતાં વનવિભાગે તાત્કાલિક સતર્કતા દાખવી હતી. સિંહો રસ્તો ક્રોસ કરવા આગળ વધી રહ્યા હોવાથી સ્ટાફે થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ કરાવી સુરક્ષિત માર્ગ તૈયાર કર્યો હતો.
વનવિભાગના કર્મચારીઓએ સ્થળ પર ટ્રાફિકનું યોગ્ય નિયંત્રણ રાખી સિંહોને કોઈપણ પ્રકારની ખલેલ કે જોખમ ન થાય તેની કાળજી લીધી હતી. સ્ટાફની સતર્ક કામગીરીના કારણે ત્રણેય સિંહોએ શાંતિપૂર્ણ રીતે રસ્તો પાર કર્યો હતો. ત્યારબાદ વાહનવ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.
આ અંગે ગીર પૂર્વ વનવિભાગ, ધારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે રસ્તા પર સિંહ, દીપડો અથવા અન્ય કોઈ વન્યપ્રાણી જોવા મળે તો વાહનની ગતિ ધીમી રાખી સુરક્ષિત અંતરે ઊભા રહેવું. વન્યપ્રાણીને હોર્ન વગાડીને, લાઇટ મારીને, ફોટા કે વીડિયો લેવા માટે તેનો પીછો કરીને અથવા અન્ય કોઈ રીતે ખલેલ પહોંચાડવી નહીં.
વનવિભાગે જણાવ્યું હતું કે વન્યપ્રાણીઓને શાંતિપૂર્ણ રીતે રસ્તો પાર કરવા દેવાથી માનવ અને વન્યજીવ વચ્ચેનું સહઅસ્તિત્વ જળવાઈ રહે છે તેમજ બંનેની સુરક્ષા પણ સુનિશ્ચિત થાય છે.
